નાણાં ઉચાપત કરવાના કેસમાં પોસ્ટમાસ્તરને મોરબી કોર્ટે સજા ફટકારી

- text


મોરબી કોર્ટે લોકોના નાની બચત અને રીકરીંગ યોજનાના નાણાં ઉચાપત કરવામાં દાખલા રૂપ ચુકાદો આપ્યો

મોરબી : મોરબીના બેલા ગામની પોસ્ટ ઓફિસના મહિલા પોસ્ટ માસ્તરે ૧૯૯૯ થી ૨૦૦૨ ના ગાળામાં લોકોના નાની બચત યોજનાના નાણા છેતરપિંડીથી ઉપાડી લઈ ઉચાપત કરતા આ મામલે ૧૬ વર્ષ ચાલેલા કાનૂની જંગમાં આજે અદાલતે ઉચાપત કરનારા અધિકારીઓમાં દાખલો બેસાડવા આકરો ચુકાદો આપી નિવૃત્તિ બાદ વયોવૃદ્ધ બનેલા મહિલા પોસ્ટમાસ્તરને જુદી જુદી કલમ હેઠળ કેદની સજા અને ૧૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો મોરબીના બેલા ગામે પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મનોરમાબેન કાંતિલાલ ઠાકર રે.ત્રાજપર મોરબીવાળાએ ફરજકાળ દરમિયાન વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૨ ના સમયગાળામાં પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજના અન્વયે રીકરીંગ એકાઉન્ટમાં નાણાં જમા કરાવતા લોકોની બોગસ પાસબુકમાં પૈસા જમા કરાવી રૂપિયા ૭૮૯૦૦ ની રકમની ઉચાપત કરતા આ મામલે ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી જે કેસ ૧૬ વર્ષ સુધી ચાલ્યા બાદ એડી.ચીફ.જ્યૂડી.મેજી.જે.જી દામોદ્રાસાહેબે આજે ચુકાદો આપી આરોપી મનોરમાબેન ઠાકરને તકસીરવાન ઠેરવી જુદી – જુદી કલમો મુજબ કુલ સાડા પાંચ વર્ષની કેદની સજા ફટકારી ૧૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધારાની સજા પણ ફટકારવા હુકમ કર્યો હતો.

- text

વધુમાં મોરબીના એડી.ચીફ.જ્યૂડી.મેજી.જે.જી દામોદ્રાસાહેબ સમક્ષ ચકચારી કેસમાં બચાવપક્ષના વકીલે આરોપી મહિલા હોવા ઉપરાંત વયોવૃદ્ધ હોય હળવી સજા આપવા વિનંતી કરી હતી જો કે લોકોના નાણાંની ઉચાપત કરતા સરકારી અધિકારીઓમાં દાખલો બેસે તે માટે આકરી સજા ફટકારી આઇપીસી કલમ ૪૦૯ ના ગુન્હામાં બે વર્ષની આકરી કેદ અને રૂ. ૫૦૦૦ નો દંડ, ૪૬૫ ના ગુન્હાના કામે ૬ માસની સાદી કેદ અને ૨૦૦૦ રૂપિયા દંડ, ૪૬૮ ના ગુન્હા માં બે વર્ષની સાદી કેદ અને ૨૦૦૦ રૂપિયા દંડ તેમજ કલમ ૪૭૧ ના ગુન્હામાં એક વર્ષની સાદી કેદ અને રૂ. ૨૦૦૦ નો દંડ ફટકારવા હુકમ કરતા સન્નાટો વ્યાપી ગયો હતો.

આમ આજે મોરબીની નામદાર અદાલતે લોકોના નાણાંની ઉચાપત કરવાના કિસ્સામાં આકરી સજાનો હુકમ કરતા લાચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

- text