ફિલ્મ રિવ્યુ : ચિત્કાર (ગુજરાતી) : એક લાગણી, એક વેદના, એક વિચાર!

- text


આજથી 35 વર્ષ પહેલાં આવેલું એક સત્ય ઘટના પર આધારિત નાટક ‘ચિત્કાર’, હવે ફિચર ફિલ્મ સ્વરૂપે આવ્યું છે. આ નાટકના 800 શોઝ થયા એ જ આ નાટકની સફળતા અને લોકપ્રિયતા સૂચવે છે. ગુજરાતી રંગમંચના વિખ્યાત અદાકારા ‘સુજાતા મહેતા’ અને ગુજરાતી ફિલ્મોના શાહરુખ ખાન તરીકે ઓળખાતાં ‘હિતેન કુમાર’ને ચમકાવતી મૂળ નાટકના દિગ્દર્શક લતેશ શાહે જ બનાવેલી આ ફિલ્મ ‘ચિત્કાર’ ગુજરાતી ભાષાની ફિલ્મોમાં નવો વિષય લઈને આવી છે.

નાટક પરથી ફિલ્મ બને એટલે નાટકની અસર હેઠળ આવી ન જાય એની બીક રહે, આ ફિલ્મમાં સમજણપૂર્વક બેલેન્સ રખાયું છે. કેટલીક સિચ્યુએશન્સ નાટ્યાત્મક લાગે પણ બીજી જ ક્ષણે બેલેન્સ થઈ જાય. ફિલ્મમાં જોઈએ એવું મીક્ષચર ઉમેરીને ફિલ્મનું સ્વરૂપ આપવામાં નિર્માતા દિગ્દર્શક મહદ્દઅંશે સફળ થયા છે.

આ ફિલ્મમાં પાવરપૅક પર્ફોર્મન્સ આપ્યું છે માનસિક અસંતુલન ધરાવતી ‘રત્ના સોલંકી’ના પાત્રમાં સુજાતા મહેતાએ. તેના જીવનમાં એક દુર્ઘટના બને છે અને તેણીને પરિવારજનો તથા સમાજ તરફથી મળતી નકારાત્મક ટ્રિટમેન્ટ ‘ગાંડી’નું લેબલ આપી જાય છે. તેણીને સાવરકુંડલામાં આવેલ માનવ મંદિર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ડૉ.માર્કંડ અહીં દવાની ટિકડીઓ આપીને નહીં પણ દિલની હૂંફ આપીને દર્દીઓની સેવા કરે છે. આ અસંતુલન ને સંતુલનમાં ફેરવવાની થેરાપી અને રત્નાની સામાન્ય સ્ત્રી ‘સોનલ’ બનવાની સફર શરૂ થાય છે.

દર્દી કે માનસિક અસ્થિર ત્યાં સુધી સારો થઈ શકતો નથી જ્યાં સુધી સમાજ તેને સ્વીકારી શકતો નથી. આવા સોશ્યલ મેસેજવાળી આ ફિલ્મમાં સૂત્રધાર(નેરેટર) તરીકે પ્રખ્યાત લેખિકા ‘કાજલ ઓઝા વૈદ્ય’નો મધુરો અવાજ સાંભળવો ખૂબ ગમે તેવો છે. તો ભગવતીકુમાર શર્માની ‘અમે આંધીઓની વચ્ચે તણખલાના માણસ’ ગઝલ ફિલ્મમાં પ્રાણ પુરે છે.

- text

ડૉ. માર્કંડ રત્નાને પત્ની બનાવી સોનલ નામ આપે છે, પણ સમાજ તેણીને તેના ભૂતકાળમાંથી બહાર નીકળવા નથી દેતો! માનસિક અસ્થિર કોણ ? એવો સવાલ આપણને થઈ જાય છે. તો સ્મશાનના સીન વખતે આવતો હિતેનકુમારનો અશ્વત્થામા રૂપકવાળો મોનોલોગ હૃદયસ્પર્શી રીતે ભજવાયો છે. સુજાતા મહેતાએ વિવિધ ગેટઅપમાં દમદાર અભિનય કર્યો છે. તેણીના મેકઅપ આર્ટિસ્ટએ પણ કાબિલે દાદ કામ કર્યું છે. તેણીના પાત્રના વિવિધ રંગોને નાટકની જેમ જ ફિલ્મમાં માણવાની મજા આવી જાય છે.

જ્યારે સુજાતા મહેતાએ નાટકોની શરૂઆત કરી ત્યારે 4-5 નાટકોમાં ખૂબ નિષ્ફળતા મળી હતી, આ નાટક સ્વીકાર્યું ત્યારે આ સફળ ન થાય તો નાટકલાઈન છોડી દેવી એવું નક્કી કર્યું હતું અને પરિણામ સૌની સામે છે. એક પારિવારિક ડોક્ટરે આ ચિત્કારના વધુ શોઝ ન કરવા સમજાવ્યું હતું પણ સુજાતા મહેતાએ આ પાત્રમાંથી જરૂર જણાય ત્યારે બહાર નીકળી સંતુલન જાળવી રાખ્યું. તેના સાથી મુખ્ય કલાકાર ડૉ. માર્કંડના પાત્રમાં એક પછી એક એમ 8 કલાકારો નાટકમાં બદલાયા હતા, પણ થાકે એ સુજાતા મહેતા નહીં, નાટકથી ફિલ્મ સુધી અડીખમ જ.

જોવાય કે નહીં ?
હિતેનકુમારે સરસ કમબેક કર્યું છે, તો સુજાતા મહેતાને સાહિત્યના નવેનવ રસ ભજવતાં જોવાં એક લ્હાવો છે. ગુજરાતી મીનિંગલેસ જોક્સ અને કેન્ટીનમાં આવતી વેવલાવેડાવાળી કોમેડી જોવા વાળા એ ધક્કો ન ખાવો.

ફિલ્મમાં હિતેનકુમારના બોસનું પાત્ર ભજવતાં દીપક ઘીવાલા એક સમયના આ જ નાટકના હીરો રહી ચૂક્યાં છે, તેમની અને હિતેનકુમાર વચ્ચેનો ફિલ્મનો એક ડાયલોગ :
(સ્મશાનના સ્થળે ચિતા પાસે ઉભા રહીને)
“માણસો મરતાં પહેલા જીવે છે, ખરાં?”
“ખબર નથી, પણ મરે છે ખરાં!!”

રેટિંગ : ૭/૧૦

આલેખન : મનન બુધ્ધદેવ

- text