- text
ભગવાન પરશુરામની શોભાયાત્રામાં ભૂદેવો ઉમટ્યા: મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોરબી: મોરબીમાં આજે ભગવાન પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન પરશુરામની વિશાળ શોભાયાત્રા , મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભૂદેવો ઉમટ્યા હતા.
આજ રોજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે સવારે ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ સાથે મહાયજ્ઞ પણ યોજાયો હતો. સાંજે ૪ કલાકે ગાયત્રી મંદિર, વાઘપરા- ૧૪ ખાતે થી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
- text
રથ અને ૧૫૧ બાઈક સાથે નીકળેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને નવલખી રોડ સ્થિત પરશુરામધામ ખાતે વિરામ પામી હતી. ત્યારબાદ પરશુરામધામ ખાતે ૫૫૧ દિવડાની મહાઆરતી યોજાઈ હતી બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજ જોડાયો હતો. આ સાથે રાત્રે ૮ કલાકે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અમિતભાઇ પંડ્યા અને મહામંત્રી ચિંતનભાઈ રાજ્યગુરુ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
- text