- text
ગૌવંશ ને ઘાતકી રીતે મારી મિજબાનીની જયાફત ઉડાવવામાં આવતી હોવાની શંકા
મોરબી : માળીયા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં ફરતી રામધણની ગાયને ઘાતકી શખ્સોએ ગોળી મારી દેતા ખડભળાટ મચી ગયો છે, આ હીંચકારી ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ ભભૂકયો છે અને ગ્રામજનોએ આ ઘટનાની પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા તાલુકાના વવાણીયા ગામ નજીક જંગલ જેવો સીમ વિસ્તાર આવેલો છે જ્યાં ૩૫ થી વધુ રામધણની ગાયો વસવાટ કરે છે, છેલ્લા ૨ વર્ષથી વવાણીયા ગામના અગ્રણીઓ ઉનાળા દરમિયાન આ સીમ વિસ્તારની ગાયોને ઘાસચારો આપવા પણ જતા હતા જેથી આ ગાયોને ઉનાળામાં ખોરાક મેળવવામાં કોઈ તકલીફનો સામનો ન કરવો પડે જેમાં તાજેતરમાં ૨ દિવસ પૂર્વેજ સીમ વિસ્તારમાં વાછરડાનું મોત થયું હતું. આ વાછરડાના અવશેષો પણ સીમ માંથી મળી આવ્યા હતા. આ વાછરડાને શિકારી કુતરાઓ ફાડી ખાધું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું. બાદમાં ફરી એક ગાય ગોળી મારેલી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
- text
ગામના સરપંચ અશ્વિનભાઈ પરમાર અને વવાણીયા ગામના આગેવાન દિલુભા જાડેજાના જણાવ્યા મુજબ માલધારીઓ તેમના પશુઓને ચરાવવા માટે સીમમાં લઇ ગયા હતા ત્યારે તેઓએ ગાયને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ હતી. આ માલધારીઓએ તુરતજ ગામના આગેવાનોને જાણ કરી હતી. બાદમાં આગેવાનો ઘટના સ્થળે પહોંચતા ગાયને ગોળી મારીને ઇજા પહોંચાડી હોવાનું જોવા મળ્યું હતું. બાદમાં તુરત જ પશુ ડોક્ટરને બોલાવીને ગાયની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
ગાયને ગોળી મારવામાં આવી હોવાની ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં ૩ થી ૪ વર્ષ પૂર્વે સીમમાં ૩૫ થી વધુ ગાયો હતી. જે આજે ઘટી ને માત્ર ૮ જેટલી થઈ છે. આટલા ઓછા સમયમાં ગાયોની સંખ્યા કઇ રીતે ઘટી શકે તે એક મોટો પ્રશ્ન છે. ગાયો ઘટવા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની સંભાવના જણાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગૌવંશને મારીને જયાફત ઉડાવવામાં આવતી હોવાની પણ વ્યાપક ચર્ચાઓ ચાલે છે ત્યારે વાછરડાના અવશેષ મળવાથી લોકોમાં આ ચર્ચાએ પણ જોર પકડ્યું છે જો કે આ બાબતે હાલ ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અને પોલીસ પણ હરકત માં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- text