શિવકથા એટલે જીવન જીવવાની શૈલી : ડો.લંકેશબાપુ

- text


અનોખી શિવકથામાં રાષ્ટ્રગાન સાથે શરૂ થાય છે કથા : ભારતીય સંસ્કૃતિ બચાવવા ભગીરથ પ્રયાસ

મોરબી : મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલ ૧૦૮ કુંડી મહાયજ્ઞમાં અનોખી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, યુવા વર્ગને કેન્દ્રબિંદુમાં રાખી ભારતીય સંસ્કૃતિને બચાવવા ડો.લંકેશબાપુ દ્વારા કરવામાં આવી રહેલ આ શિવકથાનો મુખ્ય ઉદ્દેશ યુવા વર્ગમાં વૈચારિક ક્રાંતિ લાવવાનો છે.

મોરબીના આંગણે પ્રથમ વખત જ યોજાયેલી શિકથામાં, શિવ તાંડવ સ્ત્રોત ગાન અને રાવણ પર એમ.ફિલ કરનાર ,કર્મકાંડ અને જ્યોતિષ પર પીએચડી કરનાર , અલગ અલગ ૩૪ જેટલી વિવિધ ડિગ્રીઓ ધરાવનાર તેમજ જાણીતા શિવ કથાકાર અને લંકેશબાપુ તરીકે જાણીતા પૂજ્ય ડો. બાપુએ જણાવ્યું હતું કે શિવકથા એ એક જીવન જીવવાની શૈલી છે, ભારતીય સંસ્કૃતિને બચાવવા અને યુવાનોને જાગૃત કરી અનોખી જીવન જીવવાની શૈલી શીખવવાનો એક માત્ર મારો ઉદેશ્ય છે, રાષ્ટ્ર ગાન સાથે શરૂ થતી શિવકથામાં યુવાનો માટે વૈચારિક ક્રાંતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

હાલમાં મોરબીમાં રામોજી ફાર્મ ખાતે ચાલતા 108 કુંડી મહારૂદ્ર યજ્ઞમાં દરરોજ રાત્રે ડો.લંકેશબાપુની શિવ કથા ચાલી રહી છે. જે સંદર્ભે ડો.લંકેશબાપુએ જણાવ્યું હતું કે શિવ કથા શ્રવણ કરે તે મનુષ્યનું કલ્યાણ થાય જ છે. શિવકથા મનુષ્યને જીવન જીવવાની કળા શીખવે છે આપણે પતિ તરીકે , પુત્ર તરીકે , સાસુ તરીકે, સસરા તરીકે પોતાની ફરજ કઈ રીતે નિભાવી શકાય તેનું સંપૂર્ણ જ્ઞાન શિવકથામાં છે, આપણે મહાદેવ પાસેથી શીખવાની છે કે જીવન કેવી રીતે જીવવું જેથી જીવન સ્વર્ગ લાગે તે શિવકથામાં દર્શાવવામાં આવ્યું છે.

વ્યસન છોડી દો તો કસરત જ છે, કોઈ ને નડો નહિ તો સમાજ સેવા જ છે, પાપ ન કરો તો પુણ્ય જ છે, જેના લીધા છે એના પાછા આપી દો તો દાન જ છે, સંબંધ તો સ્વર્ગમાં રચાય છે. પૃથ્વી પર તો માત્ર સરનામાં જ ગોતાય છે જેવા પ્રેરક સૂત્રો સાથે ડો. લંકેશબાપુ યુવાનોને નવી રાહ ચીંધી રહ્યા છે.

રાવણ વિષે ઊંડાણ પૂર્વક જણાવતા ડો. લંકેશ કહે છે કે , રાવણ દેવાધિદેવ મહાદેવનો પરમ ભક્ત હતો. કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરવો હોય તો આપણે એને સંપૂર્ણ જાણવો અને ઓળખવો જોઈએ એ મારી વિચારશૈલી છે. જેના કારણે મેં રાવણ પર એમફિલ કર્યું છે, આજ થી ૧૫ વર્ષ પૂર્વે આદ્યશક્તિ મા જગદંબાના સ્થાન અંબાજી ખાતે ૨૪ મિનિટ સુધી શિવતાંડવ શ્વાસ લીધા વગર કર્યું હતું. ત્યારે આ તાંડવ નિહાળીને લોકોએ મને લંકેશની ઉપાધિ આપી હતી આ ઉપાધિ મેં હર્ષ ભેર સ્વીકારી હતી.

- text

વધુમાં તેમણે ઉમેર્યું કે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા ત્યારે રાવણે ભગવાન શિવને પોતાના ઘરે આવવાનું કહ્યું હતું પ્રત્યુતરમાં ભગવાન શિવે રાવણને કહ્યું કે હું તો તારી અંદર જ છું તારું નામ શું છે? લંકેશ છે ને, લ એટલે લંકાપતિ, ક એટલે કૈલાશપતિ અને સ એટલે સાક્ષાત શિવ. તારા નામમાં હું છું એટલે હું તો તારી અંદર જ વાસ કરું છું. મને એ વાતનો આનંદ છે કે લંકેશ પણ શિવભક્ત હતો અને હું પણ શિવભક્ત છું અને મને પણ લંકેશની ઉપમા મળી છે, કોઈ પણ વ્યક્તિના સારા ગુણો લેવામાં કોઈ દોષ નથી મેં રાવણ માંથી શિવભક્તિ લીધી છે. મેં કર્મકાંડ જ્યોતિષ ઉપર પીએચ.ડી કર્યું છે આ કળા મને વારસાગત મળી છે.

આ તકે તેમણે યુવાનોને ટારગેટ કરતા જણાવ્યું કે, યુવાન લોકો ધર્મ ને જાણે , શિવને જાણે, ગૌમાતાને જાણે અને રાષ્ટ્રભક્તિ ને જાણે તે હેતુથી મેં શિવ કથાનો પ્રારંભ કર્યો છે આપણા દેશ અને સંસ્કૃતિ વિરુદ્ધ ઘણા પ્રચાર – પ્રસારો થઈ રહ્યા છે, ઘણા લોકો એવું માને છે કે આ ભારતીય લોકોને ધર્મ થી વિખુટા પાડવામાં આવશે એટલે તે લોકો તૂટી પડશે આવા સમયે યુવાનો ધર્મને વૈજ્ઞાનિક ઢબે સ્વીકારતા થાય તે હેતુથી હું શિવ કથાનું આયોજન કરી રહ્યો છું.

શીવ કથા વિશિષ્ટ પ્રકારની હોવાનું જણાવી તેઓ કહે છે કે એકવાર જીવનમાં આ શિવ કથાનું શ્રવણ કરવામાં આવે તો દરેક પ્રકારની વિશેષતા જ લાગશે શીવ કથા એ હૃદયથી શુધ્ધ થવાની પદ્ધતિ છે હું શિવ કથાનો પ્રારંભ ભારતમાતાની જય અને રાષ્ટ્રગાન સાથે કરાવું છું ઉપરાંત શિવ કથા માં શિવ ની પુજા કેમ થાય, કઈ દિશામાં બેસીને પૂજા થાય , ભગવાન શિવને કેમ દુધ ચડે છે ,કેમ બીલીપત્ર ચડે છે તે તમામ વિશે વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવવામાં આવે છે.ધર્મ અને વિજ્ઞાન ના સમન્વયથી ચાલનારી આ શિવ કથા નો વધુને વધુ લોકો લાભ લે તે માટે અનુરોધ કરી યંગ ઇન્ડિયા ગૃપને આ વિશિષ્ઠ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મોરબીમાં પ્રથમ વખત યોજાશે હનુમંત કથા

મોરબી : મોરબીમાં રામોજીફાર્મ ખાતે યોજાયેલ ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞમાં શિવકથાની સાથે સાથે ભાગવત કથા અને પ્રથમ વખત જ હનુમંત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે આગામી ૯ થી ૧૪ એપ્રિલ દરમીયાન યોજાશે.

મહારુદ્ર યજ્ઞ દરમિયાન દરરોજ યજ્ઞ બાદ કથાનું આયોજન કરાયું છે જેમાં તા. ૨૫ થી ૩૧ રાત્રે 9 થી 12 પૂ.ડો.લંકેશબાપુની શિવકથા, તા. ૧ થી ૭ બપોરે ૩ થી ૭ શાસ્ત્રી નિખિલ જોશીના કંઠે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ઉપરાંત તા. ૯ થી ૧૩ એપ્રિલ દરમિયાન સૌ પ્રથમ વખત પ્રખર વક્તા અવધ કિશોર દાસજીના કંઠેથી પ્રથમ વખત હનુમંત કથા શ્રવણનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર આયોજનને સફળ બનાવવા ૨૫૦ થી વધુ સ્વયં સેવકો દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text