મોરબી પાલિકાના રૂ.૩૫૨ કરોડના બજેટને માત્ર ૧૦મિનિટમાં મળી મંજૂરી

- text


વિપક્ષના ૧૪ એજન્ડા પેન્ડિંગ રખાતા ભારે વિરોધ: ૪૩ માંથી માત્ર ૧ એજન્ડા જ સર્વાનુમતે પસાર: બજેટને છેતરામણું ગણાવતું વિપક્ષ

મોરબી: મોરબી નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સતા માટે ચાલતા ગજગ્રાહ સાથે આજે બજેટ અને વિવિધ એજન્ડા માટે સામાન્ય સભા મળી હતી. જેમાં કોઈ પણ જાતની ચર્ચા વગર માત્ર ૧૦ મિનિટમાં સતા પક્ષે રૂ.૩.૧૪ લાખની પુરાંત વાળુ રૂ.૩૫૨ કરોડનું બજેટ મંજુર કરી દીધું હતું.બેઠકમાં વિપક્ષના ૧૪ એજન્ડા મોકૂફ રહેતા ભારે વિરોધ થયો હતો.

મોરબી નગરપાલિકા હોલમાં આજે સાધરણ સભા યોજાઈ હતી. જેમાં શાસક પક્ષ ભાજપના ૨૮ અને કોંગ્રેસના ૨૨ સદસ્યો હાજર રહ્યા હતા.સામાન્ય સભામાં ૪૩ માંથી માત્ર ૧ જ એજન્ડા સર્વાનુમતે પસાર થયો હતો.જયારે બાકીના એજન્ડા બહુમતીથી પસાર થયા હતા. વિપક્ષના ૧૪ એજન્ડા મોકૂફ રખાતા ભારે વિરોધ થયો હતો.

- text

શાસક પક્ષ ભાજપે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર માત્ર ૧૦ મિનિટ જેટલા સમયમાં બહુમતીના જોરે પાલિકાનું રૂ.૩૫૨ કરોડનું ફુલગુલાબી બજેટ મંજુર કરી દીધું હતું. બજેટમાં રૂ.૩.૧૪ લાખની પૂરાંત દર્શાવાય હતી. બજેટમાં માત્ર કર્મચારીઓને સાતમા પગારપંચ ના લાભ મુદ્દેનો એજન્ડા બહુમતી થી પસાર થયો હતો.બાકીના એજન્ડામાં સહમતી ન થતા શાસક પક્ષે બહુમતીના જોરે પસાર કરી દીધા હતા.

વિપક્ષે બજેટ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઘોડાને લીલા ચશ્માં પહેરાવી ગાજરરૂપી આંકડાની માયાજાળ રચીને લોકોને લોલીપોપ અપાઈ રહી છે. ગત વર્ષમાં હાઉસ ટેક્સ તેમજ અન્ય આવકો પુરી મેળવી શકાય નથી. ત્યારે રિવાઇઝ બજેટમાં છેલ્લા ત્રણ માસમાં બાકી રહેલા ૬૭ ટકા રકમ મેળવી લેવાશે તેવા કાલ્પનિક આંકડાઓ રજુ કરાયા છે. આમ ભ્રામક આંકડાની માયાજાળ રચીને મોરબી શહેરમાં સારા કહી શકાય તેવા કોઈ નમૂનેદાર કામો કરવાની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી.

- text