મોરબીમાં પ્રાથમિક શાળાના બાળકોની કમનસીબી : ખુલ્લામાં બેસીને કરવો પડે છે અભ્યાસ

- text


શાળામાં માત્ર ૩ જ ઓરડા : ઓરડાની પૂરતી વ્યવસ્થા કરવા વાલીઓની કલેકટરને રજુઆત

મોરબી : સરકારી પ્રાથમિક શાળાઓને પાયાની સુવિધા મેળવવા માટે કેટલી હદે લાચારી અને મુશ્કેલી વેઠવી પડે છે તેની પ્રતીતિ કરાવતો કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે મોરબીની એક શાળામાં માત્ર ત્રણ જ ઓરડા છે. તેથી છાત્રોને લોબી મા કે બહાર ખુલ્લામાં તડકામાં બેસીને અભ્યાસ કરવા ની ફરજ પડે છે. શાળાના બાળકોની આવી કપરી દશા હોવા છતાં સંબંધિત તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

મોરબીના પછાત વિસ્તાર વજેપરમા આવેલી કલ્યાણપર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો સ્ટાફ તો પૂરતો છે અને ધો.૧ થી ૮ ના વર્ગો ચાલે છે તેમ જ વિદ્યાર્થીઓની સંખ્યા પણ 310 જેટલી પૂરતી છે પરંતુ ખાટલે મોટી ખોટ શાળામાં ઓરડાની છે આ સરકારી શાળામાં માત્ર ૩ જ ઓરડા છે આટલા ઓરડામાં ધો.૧ થી ૮ ના વર્ગો કઈ રીતે ચલાવવા તે મોટી મુશ્કેલી છે શાળામાં ધો.૧ થી ૮ ના વર્ગો બે પાળીમાં ચલાવવામાં આવે છે.તેમજ એક રૂમમાં બે વર્ગો ચલાવવામાં આવે છે.તેમ છતાં મુશ્કેલીનો અંત આવ્યો નથી.

- text

૩ રૂમમાં વિદ્યાર્થીઓ સમાવી શકતા ન હોવાથી ક્યારેક બહાર ખુલ્લામાં વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવવાં પડે છે તેમાંય અત્યારે ધોમધખતા તાપમાં વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસીને ભણવું પડે છે.આ રીતે ખુલ્લા આકાશ નીચે વિદ્યાર્થીઓને ભણવાથી બાજુમાં રહેલી ગંદકીથી આરોગ્યનો પ્રશ્ન ઉદ્ભવે છે શાળાને રૂમની પૂરતી સુવિધા આપવા માટે પ્રિન્સિપાલ ચાર વર્ષથી સબંધિત કચેરીએ ધક્કા ખાય છે પરંતુ તેમની રજૂઆત ધ્યાને લેવાતી નથી તેથી આજે શાળાના બાળકોના વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી શાળામાં ઓરડા ની પુરતી વ્યવસ્થા કરાવવાની માંગ કરી હતી.

- text