મોરબી કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા આવેલા દલિત આધેડની અટકાયત

- text


માથાભારે શખ્સોનો ત્રાસ, મકનસર માં દબાણો અને ફાળવેલી જમીનમાં જંત્રી દર ઘટાડવા બાબતે અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળ્યું

મોરબી: મોરબીમાં દલિત આધેડે માથાભારે શખ્સના ત્રાસથી તેમજ મકાનસરમાં દબાણો દૂર કરવા અને ફાળવાયેલી જમીનમાં જંત્રી દર ઘટાડવા બાબતે અગાઉ આપેલી ચીમકી મુજબ તેઓ આત્મવિલોપન કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.જો કે દલિત આધેડ આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે તેમની અટકાયત કરી હતી.

મોરબીના પીપળી ગામે રહેતા ગૌતમભાઈ સોમાભાઈ આંબલીયા છેલ્લા ઘણા સમયથી માથાભારે શખ્સ નો ત્રાસ દૂર કરવા સહિતના પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે પરંતુ આ બાબતે જવાબદાર તંત્ર પગલાં ન ભરતાં અંતે તેમણે માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી કરવા અને મકનસર પાસે થયેલા આડેધડ દબાણો દૂર કરવા તેમજ તેમના ફાળવેલી જમીનમાં જંત્રીદર વધુ હોય જંત્રી દર ઘટાડવાની માંગણી સાથે આજે જિલ્લા કલેકટર કચેરી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી જો કે પોલીસે આ મામલે અગાઉ તેમની સામે અટકાયતી પગલાં ભર્યા હતા.

- text

દલીત આધેડ આત્મવિલોપન કરવા આવવાના હોય તેવી માહિતી મળતા જિલ્લા કલેકટર કચેરીએ ડીવાયએસપી અને બી ડિવિઝન પોલીસનો કાફલો ગોઠવાઇ ગયો હતો દરમિયાન આજે જિલ્લા કલેકટર કચેરીમાં પ્રવેશતાની સાથે દલિત આધેડની પોલીસે અટકાયત કરી લીધી હતી બાદમાં દલિત આધેડે કલેક્ટર સમક્ષ ઉપરોક્ત મુદ્દે રજૂઆત કરી હતી અને કલેકટર આ બાબતે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

- text