પ્રેમ એટલે સમર્પણ ! ભાવ સાર્થક કરતા મોરબીના દંપતીને રોજ વેલેન્ટાઈન ડે

- text


આને કહેવાય પ્રેમ : વિકલાંગ મનીષાબેન અને જીવન સામે ઝઝૂમતા મયુરભાઈની ગજબ લવસ્ટોરી

મોરબી : આજે ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડે, પ્રેમી હૈયાઓને પ્રેમ અભિવ્યક્ત કરવાનો દિવસ આવા તો કેટ કેટલાય રૂપકડા પ્રેમના નામો આ દિવસ સાથે જોડાયેલ છે ત્યારે બૉલીવુડ ફિલ્મને ટક્કર મારે તેવી પ્રેમ કહાની સાથે મોરબીનું દંપતી કુદરત સાથે બાથ ભીડી આનંદ કિલ્લોલ કરી રહ્યું છે, ગુજરાતી ફિલ્મ આલ્બમમાં કામ કરનાર મયુરભાઈએ વિકલાંગ યુવતી સાથે લગ્ન કર્યા બાદ સુખેથી ચાલતા લગ્નજીવનમાં કુદરતે વિપદાઓના પહાડ સર્જી દીધા છતાં પણ અડગ મનના યુગલે હરપળ જિંદગીને માણવાનું જારી રાખી પ્રેમનું અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીની કંદોઈ શેરીમાં રહેતા મયુરભાઈ પ્રકાશભાઈ પીઠડીયા ઉ. ૩૫ અને તેમના પત્ની મનીષાબેન ઉ. ૩૮ ના વર્ષ ૨૦૦૮ માં લવ વિથ એરેન્જડ મેરેજ થયા છે, બન્ને જુદી – જુદી જ્ઞાતિના હોવા ઉપરાંત મનીષાબેન વિકલાંગ હોવા છતાં પ્રથમ દૃષ્ટિના પ્રેમમાં ઓતપ્રોત બની જનાર યુગલે બન્નેના પરિવારોની સહમતીથી ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા હતા અને લગ્નજીવન સુખેથી ચાલતા આજે મયુરભાઈના ઘેર સંતાનમાં આઠ વર્ષનો પુત્ર ઓમ છે.

પોતાના પ્રેમ વિશે જણાવતા મયુરભાઈ કહે છે કે
દસ વર્ષ પૂર્વે અમદાવાદને કર્મભૂમિ બનાવી જનજાગૃતિ માટે અભિનય કરવાની સાથે ગુજરાતી ફિલ્મો અને આલ્બમમાં પોતે કામ કરતા હતા તેમણે ૨૨ ગુજરાતી ફિલ્મો અને ૩૫ જેટલા આલ્બમોમાં અભિનય તેમજ કેમેરા આસિસ્ટન્ટ, પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરેલ છે.

- text

મનીષાબેન સાથે પ્રેમ કેમ થયો એ પણ એટલો જ રસપ્રદ કિસ્સો છે મયુરભાઈ અને મનીષાબેનની પહેલી નજર ૨૦૦૮ માં અમદાવાદમાં આવેલી એઇડ્સ જનજાગૃતિ માટેની રેડ રીબીન એક્સપ્રેસ ટ્રેનમાં મળી ગઈ,બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા, કામ તો બન્નેના અલગ અલગ હતા છતાં સાંજ પડ્યે બધા સાથે મળતા અને સમુહચર્ચા કરતા હતા જો કે મયુરભાઈ તો પહેલી નજરે જ મનીષાબેન તરફ આકર્ષાય હતા અને તેમના ફોન નમ્બર લીધા બાદ વાતચીતનો દૌર આગળ વધ્યો ને સામાન્ય વાતચીત પ્રેમમાં ફેરવાઈ જતા મયુરભાઈએ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો ! મનીષાબેન પોતે વિકલાંગ હોવાથી સંપૂર્ણ સ્વસ્થ અને સ્માર્ટ મયુરભાઈ સાથે લગ્ન કરવા અચકાતા હતા અને તેમને માતા પિતા આ લગ્ન સ્વીકારે તો જ લગ્ન કરવા જણાવ્યું હતું વળી બન્નેની જ્ઞાતિ પણ અલગ હોય બન્નેના માતા પિતા રાજી થશે કે કેમ તે પણ સવાલ હતો પરંતુ સંતાનોની ખુશીમાં જ પોતાની ખુશી માનતા બન્ને પરિવારોએ સંમતિ આપતા ૨૦૦૮ માં બન્નેના લગ્ન રાજીખુશીથી થઈ ગયા અને મયુરભાઈએ પોતાની તમામ ખુશીઓ જીવનસંગીની પર ન્યોછાવર કરી દીધી.

પરંતુ કુદરતને આવી ખુશીઓ ક્યાં મંજુર હોય છે અચાનક જ મયુરભાઈ ગંભીર બીમારીમાં પટકાયા અને બંને કિડનીઓ ફેઈલ થઈ ગઈ મયુરભાઈ કામ કરવા અસમર્થ બની ગયા અને હવે જ ખરી કસોટી શરૂ થઈ મનીષાબેનની, જો કે કુદરતની આકરી થપાટ સામે મનીષાબેન બેવડા જોસ અને જુસ્સાથી લડાઈમાં ઉતર્યા અને ઘર પરિવારની સઘળી જવાબદારી પોતાના શિરે ઉપાડી લઈ અને પતિની ફરજ પોતે બજાવી શિક્ષક તરીકે નોકરી કરી પતિ, સસરા, સાસુ અને પુત્રનું ભરણપોષણ કરે છે.

મનીષાબેન પતિને એટલો પ્રેમ આપ્યો છે કે તેમને કયારેય એવો અહેસાસ નથી તબયો કે પોતે મૃત્યુ ની નજીક છે, માયુરભાઈને અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલીસીસ કરવું પડે છે અને વારંવાર રૂટિન ચેકઅપ માટે અમદાવાદ જવું પડે છે પરંતુ પત્ની તરીકે મનિષાબેન તમામ જવાબદારીઓ પોતાના શિરે લઈ હસતા મુખે ફરજ બજાવતા જાય છે. તેઓ એટલું જ કહે છે પ્રેમ કર્યો છે તો જીવનભર નિભાવીશ.

 

- text