હળવદમાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

- text


વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પંચકુંડી હોમાત્ક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું

ભગવાન શિવની પ્રિય રાત્રી શિવરાત્રીનો દિવસ એટલે ભગવાન શિવની પૂજા, આરાધના અને તેમને સમર્પિત કરી દેવાનો દિવસ. સામાન્ય રીતે દર મહિનાની વદ ચૌદસના દિવસને શિવરાત્રી કહેવામા આવે છે. પરંતુ મહા મહિનાની વદ ચૌદશને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રના છોટાકાશી ગણાતાં હળવદ નગરીના વૈજનાથ મહાદેવ મંદિર સોમનાથની આબેહૂબ પ્રતીક સમાન છે. શિવરાત્રીના પાવન પર્વ પર વૈજનાથ મહાદેવ મંદિર, શરણેશ્વર મહાદેવ, નિલકંઠ મંદિરોમાં ભગવાન શિવની ઉપાસના તેમજ દર્શનનો લ્હાવો મેળવી ભાવિક ભકતોએ પુલકીત થઈ ધન્યતા અનુભવી હતી.

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે હળવદમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.શિવજીના ભક્તોએ ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી તો કેટલાંક ભક્તો દ્વારા દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.તો પ્રસાદ રૂપે શક્કરિયાનો શિરો અને ભાંગ ગ્રહણ કરી હતી. હળવદના મોટા ભાગના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠયા હતાં અને શિવભક્તો સવારથી જ મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો હતો.

- text

મહાશિવરાત્રી પ્રસંગે હળવદના વૈજનાથ મહાદેવ મંદિરે પંચકુંડી હોમાત્ક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વેળાએ વૈજનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતો માટે રોટરી કલબ દ્વારા અભિષેક કરવા દુધ તેમજ બીલીપત્રની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે વૈજનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી જીગરભાઈ મહેતા, ધર્મેન્દ્રભાઇ દવે, ત્રિવેદીભાઇ, દિપકભાઇ જોષી તેમજ અતુલભાઈ પાઠક વગેરેએ ભાવિક ભકતો માટે મંદિરે વ્યવસ્થા આરંભી મંદિરને ફુલહારથી શણગારવામાં આવેલ હતું.

- text