રવિ સીઝનમાં પિયત માટે સિંચાઈના પાણી આપવાનો સમય વધારવા માંગણી

- text


૨૦ માર્ચ સુધી નર્મદા કેનાલ ચાલુ રાખવા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવા દ્વારા રજુઆત
મોરબી : ચાલુ વર્ષે ચોમાસુ લાબું ચાલ્યા બાદ શિયાળો મોડો શરૂ થતાં ખેડૂતોને રવીપાકની સિઝન મોડી થઈ છે પરિણામે મોરબી જિલ્લામાં ખેડૂતોને નર્મદા યોજનાના પાણી કેનાલ મારફતે ૨૦ માર્ચ સુધી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા કોંગ્રેસ કાર્યાલય મંત્રી દ્વારા ગાંધીનગર રજુઆત કરવામાં આવી છે.
નર્મદા જળસંપતિ વિભાગના સચિવને રજુઆત કરતા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ જણાવ્યું હતું કે
છેલ્લા થોડા વર્ષો થી મોસમ માં ફેરફારો આવેલ છે. જેમ કે, ચોમાસું મોડું શરુ થવું અને દિવાળી સુધી ચાલવું, શિયાળો મોડો શરુ થવો, વગેરે. આવા ફેરફારોના કારણે ખેડૂતો ને રવિ પાકમાં જો શિયાળો મોડો શરુ થાય તો વાવેતરો મોડા કરવા પડતા હોય છે. ચાલુ સાલે પણ તેવું થવા પામેલ છે. જેથી ઘઉં, જીરું, રાયડો વગેરે પાકોના વાવેતરો મોડા થયેલ છે. તેવા સંજોગો માં જો રવિ સીઝન માટે કેનાલ ફેબ્રુઆરી મહિનાના અંત માં બંધ કરી દેવામાં આવે તો આવા પાકો પાકી શકે નહિ.
 તો આ માટે ચાલુ સાલે રવિ સીઝન માટે કેનાલનો સમય ૨૦ માર્ચ સુધી લંબાવવાની જરૂરીયાત છે. અને તો જ ખેડૂતો એ કરેલ વાવેતરને પુરતો સમય અને સિંચાઈના પાણીની જરૂરીયાત પૂરી થઇ શકે તેમ છે. આ સાલે ખેડૂતો ની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને આ સમય લંબાવવા અમારી માંગણી છે તો આ બાબત પરત્વે જરૂરી હુકમો કરવા વિનંતી. અમોને આશા છે કે ખેડૂતોના હિતની આ માંગણી માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જેથી ખેડૂતોને પોતાની યોગ્ય માંગણી માટે ઉગ્ર પગલાઓ ના લેવા પડે તેવી ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.

- text