મોરબીમાં સદગત માતા-પિતાની સ્મૃતિમાં ૭૫૦ બાંકડા મુકાવતો પુત્ર

- text


લોકો નિરાંતે બેસી શકે તે માટે અનોખો સેવાયજ્ઞ

- text

મોરબી:વર્તમાન સમયમાં સંતાનો માતા-પિતાની સેવા કરવી તો એક બાજુ રહી પરંતુ જતી જિંદગીએ વૃદ્ધ માં-બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે મોરબીમાં શ્રવણ સમાન પુત્રએ સદગત માતા-પિતાની યાદમાં લોકો નિરાંતે બેસી શકે તે માટે બાંકડા મુકવાનો અનોખો સેવાયજ્ઞ શરૂ કરી અત્યાર સુધીમાં ૭૫૦ બાંકડા મુકાવ્યા છે.
મોરબીના સનાળારોડ પર શિવમ સોસાયટીમાં રહેતા અને ઘડિયાળનું કારખાનું ધરાવતા ધર્મેન્દ્રભાઈ નટવરલાલ અઢીયા અત્યારે તો ખાધે પીધે સુખી છે પરંતુ ૧૯૮૭માં તેમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઉછીના પૈસા લઈને ઘરનો ગુજારો કરવો પડતો હતો આવા કપરા સમયે પણ તેમના માતા-પિતાએ ભરણ પોષણ અને શિક્ષણમાં કોઈ જ કસર છોડી ન હતી,આવા માતા-પિતાને ઈશ્વર ગણીને તેઓ તેમના પ્રત્યે ખુબજ આદરપ્રેમ ધરાવે છે,એમના માતા તારાબેનનું ૧૯૯૬માં અને પિતા નટવરલાલ પરસોત્તમભાઈનું ૨૦૦૧ માં અવસાન થયું હતું.
માતાપિતાના અવસાન બાદ તેમના પરોપકારી જીવનની યાદ કાયમ બની રહે એ માટે ધર્મેન્દ્રભાઈએ અનોખો સેવાયજ્ઞ શરૂ કરી છે એમને માતાપિતાની યાદમાં સ્કાયમોલ,સમયગેટ,નવા બસસ્ટેન્ડ,કબ્રસ્તાન,સ્મશાન,શોભેશ્વર,રફાળેશ્વર,જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીની જુદી-જુદી સોસાયટીઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં નારણકા,ખાખરેચી,ખરેચિયા સહિત અત્યાર સુધીમાં ૭૬૦ બાંકડાઓ મુકાવ્યા છે.
ધર્મેન્દ્રભાઈ કહે છે મેં કપરા દિવસો જોયા છે,માતાપિતાના અપાર પ્રેમથી ભણી ગણી આજે ઘડિયાળનું કારખાનું ચલાવી હું સુખી છું,આ બધું મારા માતા પિતાને કારણે જ છે.સંતાનો કયારેય માતાપિતાનું ઋણ ચૂકવી શકતા નથી પરંતુ માતા પિતાની સ્મૃતિ કાયમી જીવંત રાખવા આવા સેવા તો કરી શકીએ ને!!

- text