મોરબી જિલ્લાના રાજકીય પક્ષોને ચુંટણી ખર્ચ અંગેનો તાલીમ વર્ગ યોજાયો

- text


ચુંટણી આદર્શ આચારસહિંતા જાળવવામાં પક્ષના પ્રતિનિધિઓ, ઉમેદવારો ચુંટણી અધિકારી/કર્મચારીઓને સહયોગ આપે : જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે.પટેલ

મોરબી : ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ નું પ્રથમ તબકકાનું મતદાન તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ યોજાનાર છે. આ પ્રથમ તબકકામાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેરનો સમાવેશ થાય છે. ત્યારે આજે મોરબી જિલ્લાના માન્ય રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોને ચુંટણી ખર્ચ કરવા સંદર્ભે માર્ગદર્શન તેમજ મોડેલ કોડ ઓફ કંડકટ અંગેની જાણકારી આપવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે એક તાલીમ વર્ગ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી આઇ.કે.પટેલે સભાસરઘસ તેમજ રેલી માટેની મંજુરી પક્ષ ઓનલાઇન પણ લઇ શકશે. તેમ જણાવી તેમણે આ મંજુરી આપવાની જે સમય મર્યાદા નકકી થયેલ છે. તેને દરેક રાજકિય પક્ષો અને ઉમેદવારોને અનુસરવા અને સમયસર અરજી મોકલી આપવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. કલેકટરશ્રીએ ચુંટણી દરમિયાન જાહેરસભા, મંડપ સમિયાણા, બેરીકેટસ, ટ્રાસ્પોર્ટેશન સહિત વિવિધ જગ્યાએ કરવામાં આવતા ખર્ચની મર્યાદાઓ અંગે પણ પક્ષ અને ઉમેદવારોએ શું કાળજી લેવી તેની જાણકારી આપી હતી. કલેકટરશ્રીએ ઉપસ્થિત પક્ષના પ્રતિનિધિશ્રીઓ અને અગ્રણીશ્રીઓને ચુંટણી પંચની જે આદર્શ આચારસહિંતા છે. તેનો સારી રીતે અમલ કરવા અને ચુંટણી કામગીરી સબબ જે અધિકારીઓ/કર્મચારીઓ રોકાયેલા છે. તેઓ જયારે તમો પાસે જરૂરી વિગતો માંગે ત્યારે પૂરતો સહયોગ આપવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અને ચુંટણી ખર્ચના નોડલ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ ઉમેદવારો અને પક્ષોને ચુંટણી ખર્ચમાં કયાં પ્રકારની સાવચેતી રાખવી તેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે ૬૬-ટંકારાના ચુંટણી અધિકારીશ્રી ચેતન ગણાત્રાએ ચુંટણી આયોગ દ્વારા ચુંટણી ઉમેદવારોએ કે રાજકિય પ્રતિનિધિશ્રીઓએ ચુંટણી ઉમેદવારીપત્રો ભરવા તેના જુ’દા-જુદા ફોર્મમાં સોગંદનામા, ડેકલેરેશન રજુ કરવા, ફોટાઓ કંઇ રીતે અને કેવા પ્રકારના લગાડવા,વાહનોનું રજીસ્ટ્રેશન મંજુરી અંગે તેમજ પ્રચાર-પ્રસિધ્ધી માટે જાહેરાતોની મંજુરી તેમજ ચુંટણી પ્રચાર માટે સાહિત્ય છપાવવાની થતી કામગીરીમાં શું સાવચેતી રાખવી તેની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ ખર્ચના નિયંત્રણ અને દેખરેખ માટે ચુંટણી પંચ દ્વારા વિવિધ રચાયેલ સમિતિ જેવી કે ફલાઇંગ સ્કોડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વીવીંગ ટીમની કામગીરી અંગેની જાણકારી આપી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એન.એફ.ચૌધરી, ૬૫-મોરબીના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી શિવરાજસિંહ ખાચર, ૬૭-વાંકાનેરના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી જિજ્ઞાશાબેન ગઢવી તેમજ રાજકીય પક્ષોના અગ્રણીશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

- text