- text
સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસે રેઢિયાળ ઢોરે અડીંગો જમાવતા પ્રસુતાઓ પરેશાન
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રનો રેઢિયાળ ઢોર ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે,ધણી-ધોરી વગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા સમયથી ગાય-ખુટિયા ચોગાન ને બદલે હોવે તો અંદર વોર્ડ સુધી પહોંચી ગયા છે અને ગાયનેક વિભાગમાં તો આવન જાવનના માર્ગનો કબજો લઈ લેતા પ્રસુતાઓ મુશ્કેલી માં મુકાઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલના સતાધીશો દ્વારા માણસોની સારવારની સાથે સાથે પશુ દવાખાનું શરૂ કર્યું હોય તેમ સિવિલ હોસ્પિટલના વોર્ડમાં ગાય-ખુટિયા આંટાફેરા વધી ગયા છે. એમાં પણ ખાસ કરીને મોરબી સીવીલ હોસ્પીટલના ગાયનેક(મહિલા) વોર્ડમાં જવાના રસ્તા ઉપર ગાયો અને ખુટિયા અડીંગો જમાવી દેતા હોય રાત્રીના સમયે ડિલિવરી માટે આવતી મહિલાઓ અને 108 જેવી ઇમરજન્સી સેવાઓને મુશ્કેલી પડી રહી છે. આશ્ચર્ય તો એવાતનું છે કે મોરબી સિવિલ હોસ્પિટલમાં આવરાતત્વો કે અન્ય સલામતી માટે કાગળ ઉપર ત્રણ-ચાર સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે પરંતુ દિવસના સમયે ભાગ્યે જ જોવા મળતો સિક્યોરિટી ગાર્ડ રાત પડતા જ અંધારામાં ઓગળી જાય છે. આ સંજોગોમાં હવે મોરબીની સિવિલ હોસ્પિટલ હોવી ઢોરવાડામાં ફેરવાયાની શહેરીજનોને પ્રતીતિ થઈ રહી છે.
- text