- text
મોરબીના શોભેશ્વર મંદિરનો રસપ્રદ ઇતિહાસ
શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શને ઉમટતા ભાવિકો, દર સોમવારે મેળો ભરાય છે.
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર સિનેમાની પાછળ આવેલા શોભેશ્વર મંદિરનો પૌરાણિક ઇતિહાસ રસપ્રદ છે.પાંચ હાજર વર્ષ પૂર્વે અજ્ઞાત કાળ દરમિયાન પાંડવો ફરતા ફરતા ત્યાં પહોંચ્યા બાદ યુધિષ્ઠિરની શિવ ભક્તિથી સ્વયંભૂ શિવલીંગ પ્રગટ થયાની લોક વાયકા છે. ત્યારબાદ ધીરે ધીરે શિવ મંદિર મોટું થતું ગયું હતું અને આજે વિશાળ શોભેશ્વર મંદિર બની ગયું છે.
શહેરીજનોમાં ભગવાન શિવ અહીં બિરાજમાન હોવાથી અખૂટ શ્રદ્ધાને કારણે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ દર્શનાર્થે જય શિવભક્તિમાં તલ્લીન થઈ જાય છે. શહેરના સામાકાંઠા વિસ્તાર નેશનલ હાઇવે નજીક કુબેર સિનેમાની પાછળ ભગવાન ભોળાનાથનું શોભેશ્વર મંદિર આવેલું છે. શોભેશ્વર મંદિરની સ્થાપના અંગેની એક લોકવાયકા મુજબ આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પાંડવો અજ્ઞાત વાસમાં ફરતા ફરતા આ સ્થળે આવી પહોંચ્યા હતા અને રાતવાસો પણ અહીં કર્યો હતો. યુધિષ્ઠિરે સવારે ઉઠ્યા બાદ શિવલિંગની પૂજા અર્ચના અને ભક્તિ કાર્ય બાદ અન્ન જળ આરોગવવાનો દરરોજનો અફર નિયમ હતો. પરંતુ તે સ્થળે શિવલિંગ ન હોવાથી યુધિષ્ઠિરે શિવ ભક્તિ કરતા તેમને રાત્રે સ્વપ્નમાં ભગવાન શિવ પ્રગટ થયા હતા અને નાગ દેવતાનો રાફળો ત્યાં હોવાનું જણાવ્યું હતું. આથી યુધિષ્ઠિરે સવારે ઉઠતા વેંત જ રાફડામાં નાગદેવતાની પૂજા કરી હતી. નાગદેવતા ત્યાંથી હટી ગયા બાદ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ્યું હતું. આથી યુધિષ્ઠિરે શિવલીંગની પૂજા અર્ચના કર્યા બાદ અન્નજળ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ શિવ ભક્તિનો મહિમા ખુબજ વધ્યો હતો. અને રાજવી કાળમાં શિવલીંગની જગ્યાએ શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.આ મંદિરને શોભેશ્વર મંદિરની ઉપમા આપવામાં આવી હતી. હાલમાં પણ મંદિર નીચે નાગદેવતાનો રાફડો મોજુદ છે. અહીં શ્રાવણ માસમાં દર્શનાર્થે ભક્તિનો મહાસાગર ઘુઘવાય છે. દર સોમવારે મેળો ભરાય છે. લોકોમોટી સંખ્યામાં શોભેશ્વર મંદિરે આવીને ભગવાન ભોળાનાથના દર્શનની સાથે મેળાની મોજ માણે છે.
- text
- text