ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ બેથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો : ઈશ્વરની મહેર બની કહેર

- text


ટંકારામાં પડેલા ૨૦ ઈંચ વરસેલા વરસાદથી શહેર-ગામ ખેદાન-મેદાન : વરસાદી પાણી ઓસરતા ભયાનક દ્રશ્ય સામે આવ્યા : જમીન ધોવાણ, પુલ તૂટ્યા, કચેરીઓમાં સામાન પાણીપાણી સહિત અનેક આર્થિક નુકસાની દ્રશ્યો નજર સમક્ષ : વરુણદેવને ખમૈયા કરવા વિનવતા ટંકારાવાસીઓ

ટંકારા : વરુણદેવનાં ચોપડામાં ટંકારા હીટલીસ્ટમાં હોય તેમ ટંકારા અને આસપાસનાં ગામોમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વધુ બેથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. ટંકારાને મેઘરાજાએ ખાસ કેન્દ્રબિંદુ બનાવ્યું એમ વરસાદ અવિરત વરસવાનું રોજેરોજ ચાલુ છે ત્યારે ગઈકાલે સાંજે પણ અમરાપર, મીતાણા, હીરાપર, સરાયા, સાવડી, ઓટાળા, બંગાવડી સહિતનાં ગામોમાં વરસાદે એકથી બે ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું. જેથી ટંકારા ફરી પાણી-પાણી થઈ ગયું છે.
છેલ્લા અડધા મહિનાથી મેઘરાજા ટંકારાને સતત ધમરોળી રહ્યા છે. મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકામાં સર્વત્ર અનરાધાર વરસાદ ખાબક્યો છે ત્યારે એક દિવસમાં ૨૦ ઈંચ જેટલો વરસાદ પણ પડ્યો હતો. છેલ્લાં એક-બે દિવસથી વરસાદ વિરામ લેશે તેવા અનુમાનો વચ્ચે ફરી ગત સાંજ પડેલા વરસાદનું વરસાદી પાણી આજે ઓસરતા જ્યાં જુઓ ત્યાં ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમ ટંકારા શહેરનાં ધરતી પુત્રોનો મુખ્ય રસ્તો ધારવાળી જગ્યાનો પુલ કક્કડભૂસ થઈ ગયો છે. જેથી ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકતા નથી. બીજી તરફ અમરાપરનો કોઝવે પણ તૂટતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
વળી સરકારી શાળા અને કચેરીઓઓ પણ પાણી-પાણી થઈ ગઈ છે જેમાં તાત્કાલિક યુદ્ધનાં ધોરણે સફાઈ જરૂરી છે. ટંકારા સેવાની મુખ્ય કચેરી, તાલુકા પંચાયત પણ મેઘરાજાનાં પ્રકોપથી બચી નથી. તેમાં પણ ભારે નુકસાની થઈ છે. વરસાદી તારાજીથી પાણી ભરાયેલા સ્થળે મચ્છર-માખીનો ઉપદ્રવ ફાટી નીકળ્યો છે. જ્યાં આરોગ્ય વિભાગ પણ ડોકિયા કરતુ ન હોય લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપેલી છે. આમ, ટંકારામાં ક્યારેય ન જોવા મળ્યા હોય તેવા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે.

- text