મોરબી : મુક્તિધામમાં ધાર્મિક કાર્યોની સુવાસ ફેલાવતા સેવાભાવી લોકો

- text


મુક્તિધામમાં વૈદિકયજ્ઞ દ્વારા વિશ્વશાંતિની પ્રાર્થના સાથે પર્યાવરણનું કરાતું જતન : સેવાભાવી સમિતિ દ્વારા જીવનપર્યત નિયમિત વૈદિકયજ્ઞ કરવાની નેમ

મોરબી : સામાન્ય રીતે સ્મશાનમાં નશ્વરદેહના અંતિમ સંસ્કાર સિવાય ન જવાનું હોવાની માન્યતા છે. ત્યારે મોરબીમાં ૧૩ સભ્યોની વૈદિક પ્રચાર સમિતિએ આ માન્યતાઓનો છેદ ઉડાડીને સ્મશાનમાં પણ ધાર્મિક કાર્યની સુવાસ ફેલાવી રહ્યા છે. છેલ્લા ૧૨૨ દિવસથી દરરોજ વૈદિક યજ્ઞ કરી વિશ્વ શાંતિની દુવાઓ માંગીને પર્યાવરણનનું જતન કરવામાં આવી રહ્યું છે. આ સમિતિએ દરરોજ વૈદિકયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો છે.
મોરબીના સામકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ સ્મશાન ગૃહમાં વિશ્વ શાંતિ અને પર્યાવરણનું જતન માટે વૈદિકયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આજે વૈદિકયજ્ઞની ૧૨૨ દિવસ થયા છે. દરરોજ વૈદિકયજ્ઞ કરાતો હોવાથી સ્મશાનનું વાતાવરણ મંગલમય બની રહ્યું છે. વૈદિકયજ્ઞનું કામ કરતાં વૈદિક પ્રચાર સમિતિના સભ્ય અને નિવૃત સિવિલ એંજિનિયર રામજીભાઇ બાવરવાએ જણાવ્યુ હતું કે, ભારતીય સંસ્કૃતિ મુજબ વૈદિકયજ્ઞ કરવાથી સમગ્ર જગતમાં શાંતિનું વાતાવરણ રચાઇ છે. સ્મશાનમાં આવા ધાર્મિક કાર્યો કરવાની પ્રેરણા મોરારીબાપુની કથામાંથી મળી હતી. મોરારીબાપુએ કથા દરમ્યાન સ્મશાન વિશેની માન્યતા અંગે જાગૃતિ લાવવાનું સૂચવ્યું હતું. સ્મશાન પણ અન્ય સ્થળ જેવુ પવિત્ર અને મંગલમય છે. ત્યાં સારા ધાર્મિક કાર્યો કરવાથી મનને અદ્દભુત શાંતિ મળે છે. અને મન કાયમ પ્રસન્ન રહે છે. સ્મશાનમાં સારા કર્યો કરવાથી મંદિરમાં જવાની જરૂર રહેતી નથી આ પ્રેરણા બાદ સ્મશાનમાં વૈદિકયજ્ઞનો પ્રારંભ કરાયો હતો. અને સમિતિના સભ્યો બી.કે.ડે, એમ.જી. મારૂતિ, ભાણજી બાપોલિય, નરસંગદાસ રામાવત, હરજીભાઇ વાઘડીયા, કુવરજીભાઇ કૈલા, રમેશભાઈ વરસડા, દિનેશભાઇ આઘારા સહિતના ૧૩ સભ્યોની ટિમ સ્મશાન ગૃહમાં ગત તા.૧૨ માર્ચથી દરરોજ વૈદિકયજ્ઞ કરે છે. જેમાં બાજુના ઉમા ટાઉનશિપના લોકો શ્રદ્ધાભેર જોડાયા છે. વૈદિકયજ્ઞનો હેતુ દેશ સહિત સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવા સ્મશાનમાં પર્યાવરણનું જતન માટે કરાઇ છે. આ વૈદિકયજ્ઞને આજે ૧૨૨મો દિવસ ચાલી રહ્યો છે. સમિતિના સભ્યો આ વૈદિકયજ્ઞને આજીવન દરરોજ કરવાનું જણાવે છે. તેમજ આગામી ૧૧માર્ચ ૨૦૧૮ પહેલા ૧૧ કુંડી યજ્ઞ કરવાનો ધ્યેય છે. આ સમિતિ કોઈના ઘરે સારા પ્રસંગો હોય તો ત્યાં વિના મૂલ્યે વૈદિકયજ્ઞ કરે છે. અને અંતિમ સંસ્કાર વૈદિક વિધિથી થાય તેવા પ્રયાશો હાથ ધરશે.

- text