દિવાળી પહેલાં આસમાને પહોંચેલા લીલા શાકભાજીના ભાવ ગગડતાં ગૃહિણીઓના બજેટમાં થોડી રાહતઆગામી એકથી બે અઠવાડિયામાં આવક હજુ વધવાની સાથે ભાવ વધુ નીચા જવાની વેપારીઓની ધારણામોરબી અપડેટ : મોરબીમાં શિયાળાની ઋતુની વિધિવત શરૂઆત થવાની સાથે જ શાક માર્કેટમાં તાજા લીલા શાકભાજીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. દિવાળી પહેલાં જે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા, તેમાં હવે 30થી 50 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. લીલા શાકભાજી સસ્તા થતાં ગૃહિણીઓના રસોડાના બજેટમાં થોડી રાહત મળી છે અને બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સાથે શાકભાજીના ભાવ હજુ પણ નીચા જવાની પૂરી શક્યતા છે.મોરબીની શાક માર્કેટમાં દિવાળી પહેલાં પ્રતિ કિલો રૂ. 240માં વેચાતા વટાણા અત્યારે ઘટીને રૂ. 60થી 70, રૂ. 200ની મેથી રૂ. 40થી 50 અને રૂ. 200ના લીંબુ રૂ. 70થી 100ના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત દિવાળી પહેલાં રૂ. 160થી 200માં વેચાતી કોથમરી હવે રૂ. 80થી 100, રૂ. 100થી 120ની લીલી ડુંગરી રૂ. 50થી 60, પાલક રૂ. 40થી 50 અને રૂ. 80નું ફુલાવર રૂ. 40થી 50 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. બીજી તરફ બટેકા રૂ. 20થી 25, ટમેટા રૂ. 30થી 40, કોબીચ રૂ. 30થી 40 અને ચોરી રૂ. 100થી 120 પ્રતિ કિલોના ભાવે દિવાળી પહેલાંની જેમ જ સ્થિર રહ્યા છે.મોરબી શાક માર્કેટના રિટેઇલ વેપારી ચિરાગભાઈ સેજપાલે જણાવ્યું હતું કે, શિયાળુ પાકની આવક શરૂ થતાં બજારમાં શાકભાજીનો પૂરતો જથ્થો ઠલવાઈ રહ્યો છે, જેના કારણે ભાવમાં સીધો 30થી 50 ટકાનો ઘટાડો થયો છે. હાલ ગ્રાહકોની ખરીદીમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી અઠવાડિયાથી 15 દિવસમાં સ્થાનિક અને બહારગામથી શાકભાજીની આવક હજુ વધશે, જેના પગલે શાકભાજીના ભાવમાં હજુ વધુ ઘટાડો થવાની પૂરી સંભાવના છે.શિયાળુ સ્પેશિયલ લીલું લસણ, હળદર અને તુવેરની બજારમાં ધૂમ આવકશિયાળાની ઋતુ જામતા જ મોરબીની બજારમાં સ્વાસ્થ્યવર્ધક અને શિયાળુ સ્પેશિયલ શાકભાજીની નવી આવક શરૂ થઈ ગઈ છે. હાલ શાક માર્કેટમાં લીલું લસણ રૂ. 400 પ્રતિ કિલો અને લીલી હળદર રૂ. 100થી 120 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આ ઉપરાંત શિયાળામાં ખાસ પસંદ કરાતી લીલી તુવેર રૂ. 60થી 70, ઓળા રીંગણાં રૂ. 80થી 100 અને બીટ રૂ. 50થી 60 પ્રતિ કિલોના ભાવે બજારમાં ઉપલબ્ધ બન્યા છે. ઠંડી વધતા જ આ શિયાળુ શાકભાજીની માંગમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.ડુંગળી, ભીંડો અને ગુવાર સહિતના દૈનિક શાકભાજીના ભાવમાં પણ ઘટાડોરોજિંદા વપરાશના અન્ય શાકભાજીના ભાવમાં પણ દિવાળી પહેલાંની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો થતાં ગ્રાહકોને મોટી રાહત મળી છે. દિવાળી પહેલાં રૂ. 60થી 70 પ્રતિ કિલો વેચાતી ડુંગળી અત્યારે રૂ. 40થી 50, રૂ. 100થી 120નો ભીંડો રૂ. 80 અને રૂ. 120થી 140નો ગુવાર રૂ. 80થી 100ના ભાવે મળી રહ્યો છે. આ ઉપરાંત મરચા રૂ. 70-80થી ઘટીને રૂ. 50-60, પેપ્સી મરચા રૂ. 120થી ઘટીને રૂ. 80-100 અને કાકડી રૂ. 120-140થી ઘટીને રૂ. 80-100 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.