ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પેન્શન આયોજન અંગે અપાશે માર્ગદર્શનમોરબી અપડેટ : પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા 26 નવેમ્બર, 2026ના રોજ મોરબીમાં ‘એનપીએસ સંચય’ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), ગ્રામ્ય ઉદ્યોગકારો, નાના વ્યવસાયકારો, વેપારીઓ અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) અંગે જાણકારી આપવાનો કાર્યક્રમનો હેતુ છે.સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી યોજાનારા સત્રમાં નિયમિત બચત, નિવૃત્તિ બાદની નાણાકીય સુરક્ષા, એનપીએસના લાભો અને યોજનામાં જોડાવાની પ્રક્રિયા સમજાવવામાં આવશે. યોજનામાં જોડાવા ઇચ્છુકો માટે કાર્યક્રમ સ્થળે જ નોંધણીની સુવિધા ઉપલબ્ધ રહેશે.બપોરે 2થી સાંજે 4:30 વાગ્યા સુધી બેંકના બિઝનેસ કોરસ્પોન્ડન્ટ (BC) અને કોમન સર્વિસ સેન્ટર (CSC)ના ગ્રામ્ય સ્તરના સંચાલકો માટે વિશેષ તાલીમ યોજાશે. PFRDAની અધિકૃત એજન્સી દ્વારા યોજાનારી આ તાલીમમાં નોંધણી પ્રક્રિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજનાની પહોંચ વધારવા અંગે માર્ગદર્શન અપાશે. મોરબીની લીડ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં સંબંધિત લાભાર્થીઓને ભાગ લેવા અનુરોધ કરાયો છે.