સીલ ખોલવા તેમજ નવા લાઈસન્સની તક આપવા માંગ : એકતરફી કાર્યવાહી થયાનો આક્ષેપ સાથે બંને પક્ષોને સાથે બેસાડી પ્રશ્નનો સુખદ નિવેડો લાવવા ભલામણમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં નોનવેજની દુકાનો સીલ કરવાની કરવામાં આવેલી કાર્યવાહીને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવી અસરગ્રસ્ત નોનવેજના ધંધાર્થીઓ તેમજ સમાજના આગેવાનોના પ્રતિનિધિમંડળે મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત લેખિત રજૂઆત કરી કાયદાકીય વાંધા ઉઠાવ્યા હતા. રજૂઆતમાં છેલ્લા 70 વર્ષથી રોજીરોટી રળતા વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી, સીલ ખોલીને લાઈસન્સ રિન્યુઅલ તથા નવા લાઈસન્સની તક આપવાની માંગ કરાઈ છે. જો આ રજૂઆતનો યોગ્ય નિકાલ નહીં આવે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.મહાનગરપાલિકા દ્વારા ગત તા. 20 નવેમ્બરના રોજ જીપીએમસી એક્ટ-1949ની કલમ 376-A હેઠળ માંસ-મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી. આ મામલે કમિશનરને પાઠવેલા આવેદનમાં અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા ખાટકી તથા કસાઈ સમાજના વેપારીઓ સામે એકતરફી કાર્યવાહી કરી માનસિક ત્રાસ અપાયો છે. દુકાનમાં ગંદકી અને દુર્ગંધના તંત્રના દાવાને ખોટો ગણાવતા અરજદારોએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ મનપાની કાયદેસરની સત્તાનો વિરોધ કરતા નથી, પરંતુ દંડાત્મક કાર્યવાહીને બદલે નિયમોનું પાલન કરાવી રોજીરોટી ચાલુ રાખવા દેવી જોઈએ. જો યોગ્ય ન્યાય નહીં મળે તો રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ સમક્ષ રજૂઆત તેમજ બંધારણની કલમ 226 હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં જવાની અને તેનો ખર્ચ મનપાના શિરે રહેશે તેવી ચીમકી અપાઈ છે.બીજી તરફ, ગુજરાત માઈનોરિટી ડિપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન અમીનભાઈ જન્નરની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ રજુઆત કરી હતી. અમીનભાઈ જન્નરે જણાવ્યું હતું કે, છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી વેપારીઓનો ધંધો વેરવિખેર થઈ જતાં તેઓ પીડિત છે. અધિકારીઓએ કોઈ જૂથ, સમાજ કે વ્યક્તિના દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ અને કાયદાને આધીન રહીને કામ કરવું જોઈએ. આ અંગે કમિશનરે કાયદાની ઉપરવટ નહીં જવાની ખાતરી આપી બંને પક્ષોને સાથે બેસાડી ખુલ્લા મને ચર્ચા કરી સુખદ રસ્તો કાઢવાની હૈયાધારણા આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.જૂના લાઈસન્સનો રેકર્ડ તપાસી મનપાના બાયલોઝ તૈયાર ન થાય ત્યાં સુધી ધંધો ચાલુ રાખવા દેવાની માંગરજૂઆતમાં જણાવાયું છે કે, અગાઉ અરજદારો પાસે નગરપાલિકાના લાઈસન્સ હતા અને તેની મુદત પૂર્ણ થતાં રિન્યુઅલની માંગ સામે નગરપાલિકાએ મટન માર્કેટ બનાવવાનો ઠરાવ કરી નકશા તથા તાંત્રિક મંજૂરી મેળવી હતી, છતાં કામ શરૂ કરાયું નહોતું. કલમ 386(1) અને 386(4) મુજબ જૂના લાઈસન્સનો રેકર્ડ તપાસી મનપાના બાયલોઝ તૈયાર ન થાય ત્યાં સુધી નિયમિત ફી અને આધાર પુરાવા લઈ ધંધો ચાલુ રાખવા દેવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત સ્લોટર હાઉસના નિયમો હજુ ઘડાયા ન હોવાનું અને મ્યુનિસિપલ એક્ટ-1949ની કલમ 460 હેઠળ પ્રસિદ્ધ જાહેર નોટિસમાં સૂચનો માટે અપાયેલા દિવસો અપૂરતા હોવાની રજૂઆત પણ કમિશનર સમક્ષ કરાઈ હતી.કાયદાને આધીન જ કાર્યવાહી કરાઈ, 13 દુકાનોને નોટિસનો મામલો હાઇકોર્ટમાં : મ્યુનિ. કમિશનરખાટકીવાસના દુકાનદારો અને પ્રતિનિધિઓની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, તપાસ સમયે આધાર-પુરાવા સાથેની સામગ્રી જપ્ત થતાં દુકાનો સીલ કરાઈ હતી. આ 13 દુકાનોને અગાઉ લાઈસન્સ અને વેચાણ અંગે નોટિસ અપાઈ હતી, જેની સામે વેપારીઓએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હોવાથી હવે આ દુકાનો બાબતનો કોઈ પણ હુકમ નામદાર હાઈકોર્ટને આધીન રહેશે. વધુમાં, બંને પક્ષોને સામસામે બેસાડી નિવેડો લાવવાની માંગ અંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તે સામાજિક અને રાજકીય બાબત હોવાથી કોર્પોરેશન વતી કમિશનર તરીકે તેમાં કોઈ હસ્તક્ષેપ હોઈ શકે નહીં. મનપા પાસે હાલ નિયમાવલી ન હોવાના દાવાને ગેરસમજણભર્યો ગણાવતા કમિશનરે જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાએ પ્રથમ સભામાં જ મેન્ટોર મનપા રાજકોટના નિયમો અપનાવી લીધા છે, જે અહીં સંપૂર્ણપણે લાગુ પડે છે. હાલ મોરબી મનપાના પોતાના અલગ નિયમો ઘડવાની અને સરકારની મંજૂરી બાદ ગેઝેટ પ્રસિદ્ધિની પ્રક્રિયા ચાલી રહી છે, જેના વાંધા-સૂચનો સાંભળવા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પાસેથી તારીખ પણ માંગી લેવાઈ છે. દરમિયાન સર્વોપરી જીપીએમસી એક્ટની કલમો તેમજ SWM રૂલ્સ-2026 અંતર્ગત હાઈજીન કન્ડિશનનું પાલન ન થતાં કાર્યવાહી કરાઈ હોવાનું જણાવી તેમણે બંને પક્ષોને સાંભળીને માત્ર કાયદાની મર્યાદામાં જ આગળના નિર્ણયો લેવામાં આવશે તેમ ઉમેર્યું હતું.