મોરબી અપડેટ : મોરબી-2 વિસ્તારમાં આવેલી મહેન્દ્રનગર ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે રસ્તો ક્રોસ કરી રહેલા એક 32 વર્ષીય રાજસ્થાની યુવાનને અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના અલવર જિલ્લાના નારપુર ખર્દ ગામના વતની રણમલભાઈ પાલારામભાઈ પવાર (ઉ.વ. 30) એ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો નાનો ભાઈ કનહૈયાભાઈ પાલારામભાઈ પવાર (ઉ.વ. 32) અને કૌટુંબિક ભાઈ રમેશભાઈ બલદેવભાઈ પવાર બંને ટ્રક લઈને મોરબી આવ્યા હતા. ગાડી ખાલી થઈ જતા તેઓએ ઘુંટુ રોડ પર ટ્રક પાર્ક કર્યો હતો અને બંને નવરા હોવાથી મહેન્દ્રનગર ચોકડી પાસે ગયા હતા.આ દરમિયાન ગત તા. 17/11/2026 ના રોજ સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં કનહૈયાભાઈ મહેન્દ્રનગર ચોકડી પાસે લેટેસ્ટ બિઝનેસ સેન્ટર સામે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ટ્રક રજી. નંબર GJ-36-T-8099 ના ચાલકે પોતાનો ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને કનહૈયાભાઈને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કનહૈયાભાઈને જમણા હાથે અને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, રાજકોટમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ભીખુભાઈ ગઢવીએ હાથ ધરી છે.#Morbi #MorbiNews #AccidentNews #FatalAccident #Mahendranagar #MorbiPolice #BDivisionPolice #MorbiUpdates