ટંકારાના મોટા રામપરના બે ભાઈઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયોમોરબી અપડેટ : શહેરના દલવાડી સર્કલ વિસ્તારમાં કાર પાર્ક કરવા જેવી બાબતે થયેલા મનદુઃખમાં એક યુવાનનું કારમાં અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ટંકારા તાલુકાના બે ભાઈઓએ યુવાનને પોતાની ગાડીમાં બેસાડી ચાલુ કારે માર મારી સામાંકાઠે એક ફ્લેટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યુવાનને ચામડાના પટ્ટા અને પ્લાસ્ટિકની મોટી બોટલ ફટકારી વાસાના ભાગે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદમાં નોંધાયેલ વિગત મુજબ મોરબીના કેનાલ રોડ પર દલવાડી સર્કલ પાસે આવેલી ઉમા સોસાયટી (ઉમા પાર્ક)માં રહેતા અને કોયલી ગામે ખેતીકામ કરતા સાગરભાઈ રાયધનભાઈ જારીયા (ઉં.વ.૩૨) ગત તા.૨૦ નવેમ્બરની રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે શેરીમાં હાજર હતા. આ દરમિયાન પાડોશીના ભત્રીજા અને ટંકારા તાલુકાના મોટા રામપર ગામના વતની સિધ્ધરાજસિંહ ઝાલા ત્યાં આવ્યા હતા અને ફોરવ્હીલર કાર પાર્ક કરવા બાબતે બંને વચ્ચે મનદુઃખ તથા બોલાચાલી થઈ હતી. અગાઉ સિધ્ધરાજસિંહના ભાઈ રવિસિંહ ઝાલા સાથે ફોન પર મળવાની વાત થઈ હોવાથી સિધ્ધરાજસિંહ સાગરભાઈને પોતાની સફેદ રંગની જીપ કમ્પાસ કારમાં બેસાડી શનાળા ચોકી પાસે આવેલા છોટાલાલ પંપ ખાતે લઈ ગયા હતા. ત્યાં પહેલેથી અન્ય એક વ્યક્તિ સાથે હાજર રહેલા રવિસિંહ ઝાલાએ છરી કાઢી સાગરભાઈને મારવા જતા સાથેના શખ્સે સામે કેમેરા હોવાનું કહેતા રવિસિંહ કારમાં બેસી ગયો હતો અને ગાડી સામાંકાઠે તરફ હંકારી મુકી ચાલુ કારે જ સાગરભાઈને મુક્કાઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું.ત્યારબાદ બંને ભાઈઓ સાગરભાઈનું અપહરણ કરી સામાંકાઠે આવેલી ઋષભ સોસાયટીના એક ફ્લેટના પહેલા માળે લઈ ગયા હતા, જ્યાં રવિસિંહ ઝાલાએ ચામડાના પટ્ટા વડે વાસાના ભાગે ચારથી પાંચ ઘા મારી તેમજ રૂમમાં પડેલી પાણીની મોટી ખાલી પ્લાસ્ટિકની બોટલ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. રાત્રે અગિયારેક વાગ્યે બંને આરોપીઓ યુવાનને કારમાં બેસાડી ઘર તરફ લઈ જતા હતા ત્યારે રસ્તામાં ફરિયાદીના મિત્ર મુનાભાઈની ફોર્ચ્યુનર કાર રોકી તેમાં બેસાડી સાડા અગિયારેક વાગ્યે ઘરે ઉતારી દીધા હતા. બીજા દિવસે બપોરે કોયલી ગામે જઈ સાગરભાઈએ પિતરાઈ ભાઈ રાહુલભાઈ તથા કાકા નારણભાઈ સહિતના પરિવારજનોને બનાવની જાણ કરતા વાસાના ભાગે લાલ ચકામા અને દુખાવો હોવાથી રાત્રે દસ વાગ્યે તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલની એમએલસીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સિધ્ધરાજસિંહ ઝાલા અને રવિસિંહ (રવિ) ઝાલા વિરુદ્ધ બીએનએસની કલમ ૧૩૮, ૧૧૫(૨), ૫૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી પીએસઆઈ હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ વધુ તપાસ શરૂ કરી છે.