વાંકાનેર (મોરબી અપડેટ): રાજકોટ-ચોટીલા નેશનલ હાઇવે પર વાંકાનેર તાલુકાના ભલગામ પેટ્રોલ પંપ નજીક ટ્રાફિક જામમાં ઉભેલી બે કારને સામેથી પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બંને કારને નુકસાન પહોંચ્યું હતું, જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી મુજબ, જામનગરની એસ્સાર પાવર કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રીતમકુમાર બેનીમાધવ સિંહ (ઉ.વ. 41) ગત તા. 20/11/2026 ના રોજ પોતાની પત્ની અને દીકરી સાથે કાર (નં. GJ-10-EH-2816) લઈને જામનગરથી ગાંધીનગર દર્શનાર્થે જઈ રહ્યા હતા. ત્યારે બામણબોરથી આગળ રોડનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પર ભલગામ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક જામ હોવાના કારણે તેઓએ પોતાની કાર લાઈનમાં ઉભી રાખી હતી. તેમની આગળ સામતભાઈ વિહાભાઈ ઘાંઘળની કિયા સેલ્ટોસ કાર (નં. GJ-03-PJ-1935) ઉભી હતી.આ દરમિયાન ચોટીલા તરફથી સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા ડમ્પર (નં. GJ-27-TG-9607) ના ચાલકે પોતાની લાઈનમાંથી કાવું મારી સામેની લાઈનમાં જતા પહેલા કિયા સેલ્ટોસ કારને અને ત્યારબાદ ફરિયાદીની કારને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. રાત્રીના સમયે સર્જાયેલા આ અકસ્માતને કારણે રાજકોટ-અમદાવાદ વચ્ચેના મુખ્ય હાઇવે ઉપર કલાકોનો લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આ ટક્કરમાં બંને કારના દરવાજા, બમ્પર, બોનેટ અને લાઈટ સહિતના ભાગે મોટું નુકસાન થયું હતું, પરંતુ બંને કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે પ્રીતમકુમાર સિંહે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #Bhalgam #RoadAccident #HighwayAccident #WankanerTalukaPolice