જૂના ઝઘડાનો ખાર રાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કરતા ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાયોટંકારા (મોરબી અપડેટ) : ટંકારામાં જૂના ઝઘડાનો ખાર રાખી એક યુવાનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, તેના ઘરે જઈ પાર્ક કરેલી કારના કાચ તોડી નુકસાન પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી હાલ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારામાં પી.ડબલ્યુ.ડી. બંગલા પાસે રહેતા અને મજૂરી કામ કરતા રજાકભાઈ ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણા (ઉ.વ. 36) એ ટંકારા પોલીસ મથકે આરોપી નાસીર બીલાલભાઈ સોહર્વદી (રહે. મેમણ શેરી, ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા. 03/11/2026 ના રોજ સવારે આશરે 11 વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાનું બર્ગમેન મોપેડ લઈને ટંકારા ખીજડીયા ચોકડીએ તાજ પાન પાસે ઉભા હતા. તે સમયે આરોપી નાસીર બીલાલભાઈ સોહર્વદી પોતાની સી.એન.જી. રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી રીક્ષામાંથી છરી કાઢી બતાવી 'હવે તું મને ક્યાંય ભેગો થતો નહીં, નહિતર તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો.ત્યારબાદ ફરિયાદી કામ પતાવીને ઘરે પરત ફર્યા ત્યારે તેમની માતા અને પત્નીએ જણાવ્યું હતું કે, નાસીર સોહર્વદી રીક્ષા લઈને ઘરે આવ્યો હતો અને કલ્લુ ઘરે આવ્યો છે કે કેમ તેવું પૂછ્યું હતું. ઘરે ન હોવાનું કહેતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતા આરોપીએ ઘરની બહાર શેરીમાં પાર્ક કરેલી ફરિયાદીના મોટાભાઈ યાસીનભાઈની વર્ના કાર પર છુટા પથ્થરોના ઘા કરી આગળ-પાછળના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું અને રીક્ષા લઈને ફરાર થઈ ગયો હતો.બનાવ બાદ ફરિયાદીના મોટાભાઈએ 112 પર ફોન કરી પોલીસ મદદ માંગી હતી, જોકે તે સમયે માતાએ સમજાવતા ફરિયાદ કરી ન હતી. બાદમાં પરિવારે ફરિયાદ કરવાનું નક્કી કરતા આશરે 1 વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી આ કૃત્ય આચરનાર નાસીર સોહર્વદી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે બી.એન.એસ.ની કલમ 324(4), 351(3), 352 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની વધુ તપાસ ટંકારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આર.કે. કોપણીયા ચલાવી રહ્યા છે.#MorbiUpdate #Tankara #MorbiNews #TankaraPolice #CrimeNews #Morbi #GujaratNews