મ્યુનિસિપલ કમિશનરે આગેવાનોને સમજાવાનો પ્રયાસ કર્યો, અત્યારે જ કતલખાનાઓ બંધ કરાવો તેવી માંગ સાથે આગેવાનો અડગમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ સાથે ચાલી રહેલા હિન્દુ સંગઠનોના આંદોલનને 5 કલાકથી વધુ સમય થયો છે. સમજાવટના પ્રયાસો બાદ પણ હજુ સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. આગેવાનો શહેરમાં હાલ ચાલતા તમામ કતલખાના આજે ને આજે જ બંધ કરાવવા, ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા અને દેખરેખ માટે બે કર્મચારીઓ મૂકવાની માંગ પર અડગ રહ્યા છે. બીજી તરફ, તંત્ર અને પદાધિકારીઓ દ્વારા આગામી સમયમાં જનરલ બોર્ડ બોલાવીને સૂચિત જગ્યા નક્કી કરી આગળની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. જોકે, અત્યારે શું પગલાં ભરી શકાય તે અંગે નિર્ણય લેવા માટે મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર અને ડેપ્યુટી કમિશનરો સહિતના હોદ્દેદારો ફરીથી બેઠક કરવા માટે એકત્ર થયા છે.મળતી વિગતો મુજબ, મોરબી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મુદ્દે મહાનગરપાલિકામાં હિન્દુ સંગઠનોના આગેવાનો અને શાસક પદાધિકારીઓ વચ્ચે એકબીજાને સમજાવવાનો દોર ચાલી રહ્યો હોવા છતાં હજુ સુધી કોઈ અંતિમ ઉકેલ આવ્યો નથી. મ્યુનિસિપલ કમિશનરે પણ આગેવાનોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ નીવડ્યો હતો. આગેવાનોએ તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી છે કે, હાલ શહેરમાં જે કતલખાના ચાલી રહ્યા છે તેને તાત્કાલિક અસરથી આજે ને આજે જ બંધ કરાવવામાં આવે. આ ઉપરાંત, આ સ્થળોએ ફરીથી ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમવા ન લાગે તે માટે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જરૂર જણાય તો બે કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સાથે જ સૂચિત જગ્યા અંગે જે કંઈ નિયમોનુસાર કાર્યવાહી કરવાની થતી હોય તે કરવા પણ જણાવવામાં આવ્યું છે.બીજી તરફ, હિન્દુ સંગઠનોની ઉગ્ર માંગણીઓ વચ્ચે તંત્ર અને પદાધિકારીઓએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ મુદ્દે આગામી સમયમાં મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બોલાવવામાં આવશે. આ જનરલ બોર્ડની બેઠકમાં સૂચિત જગ્યા અંગેનો નિર્ણય લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે વર્તમાન સ્થિતિમાં શું કાર્યવાહી કરી શકાય તેમ છે, તે અંગે અંદરોઅંદર ચર્ચા કરીને જવાબ આપવાનું જણાવવામાં આવ્યું હતું.જોકે, આગેવાનો માત્ર આગામી સમયની ખાતરીથી સંતુષ્ટ થવાને બદલે આજે જ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ પર મક્કમ રહ્યા છે. જેના પગલે સમગ્ર મામલે તાત્કાલિક નિર્ણય પર પહોંચવા માટે મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર તેમજ તમામ ડેપ્યુટી કમિશનરો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ફરી એકવાર બેઠક કરવા માટે રવાના થયા હતા. હવે આ બેઠક બાદ તંત્ર દ્વારા શું નક્કર નિર્ણય જાહેર કરવામાં આવે છે અને મડાગાંઠ ઉકેલાય છે કે કેમ, તેના પર સૌની નજર ટકી છે.