છ કલાકના ધરણા બાદ મહાપાલિકાએ ગેરકાયદે કતલખાના બંધ કરાવવા, સોમ-મંગળવારે સ્ટીકર લગાવવા, સીસીટીવી અને મોનિટરિંગ સહિતની ખાતરી આપીબાંહેધરી મુજબ કાર્યવાહી નહીં થાય તો શહેરના રોડ બ્લોક કરવાની હિન્દુ સંગઠનોની ચીમકી :સામાન્ય સભામાં કતલખાનાઓ માટે અલગ સૂચિત જગ્યા નક્કી કરવાનું મેયરનું એલાનમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે રહેણાંક, ધાર્મિક અને જાહેર વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર કતલખાના તથા નોનવેજની લારીઓ-હોટલો બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા સતત છ કલાક સુધી ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યા બાદ અંતે મહાપાલિકાએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જેમાં આ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા, કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવા તેમજ સોમવાર-મંગળવારથી દુકાનો પર સ્ટીકર મારી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. બીજી તરફ, મેયરે કતલખાનાઓ માટે આગામી સામાન્ય સભામાં શહેરથી દૂર સૂચિત જગ્યા નક્કી કરવાની જાહેરાત કરી છે. જોકે, તંત્રની બાંહેધરી મુજબ નક્કર કાર્યવાહી નહીં થાય તો મોરબીના તમામ વિસ્તારોના રસ્તા બ્લોક કરી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી હિન્દુ સંગઠનોએ ઉચ્ચારી છે.મળતી વિગતો મુજબ, મોરબીના રહેણાંક, ધાર્મિક અને જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના તેમજ અનધિકૃત નોનવેજની લારીઓ-હોટલો સામે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા આજે સવારે 11 વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. આ આંદોલન બાદ હિન્દુ સંગઠનના આગેવાન કમલેશ બોરીચાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરો દ્વારા સંગઠનોને સ્પષ્ટ બાંહેધરી આપવામાં આવી છે. જે મુજબ મોરબીમાં કતલખાનાનું મુખ્ય માધ્યમ ગણાતા અને જ્યાંથી મોટા પ્રમાણમાં માંસનો સપ્લાય થાય છે તે વિસ્તારને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. વધુમાં, સોમવારથી આ વિસ્તારની તમામ દુકાનો પર સ્ટીકર મારી દેવામાં આવશે અને ફરી જીવહત્યા કે અનધિકૃત પ્રવૃત્તિ ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સરકારી સીસીટીવી કેમેરા લગાવી કર્મચારીઓ મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે. જો તંત્ર બાંહેધરી મુજબ કાર્યવાહી નહીં કરે તો સંગઠન અને હિન્દુ સમાજ દ્વારા મોરબીના તમામ વિસ્તારોના રોડ બ્લોક કરી વિરોધ યથાવત રાખવામાં આવશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.બીજી તરફ, આ સમગ્ર મામલે મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, સવારથી ધરણા પર બેઠેલા હિન્દુ સંગઠનોની રજૂઆત અન્વયે જ્યાં ગેરકાયદેસર કતલખાના ચાલુ છે ત્યાં સતત મોનિટરિંગ કરવામાં આવશે અને તેના માટે સીસીટીવી કેમેરાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, સોમથી મંગળવારે બિનઅધિકૃત રીતે ચાલતા કતલખાનાઓ પર સ્ટીકર મારીને કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આવનારા સમયમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સૂચિત વિસ્તારો નક્કી કરી તેમના માટે શહેર અને મહાનગરપાલિકા વિસ્તારથી દૂર અલગ જગ્યાની જોગવાઈ કરવામાં આવશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે અત્યારે જે વાંધાઅરજીઓ આવી છે તેની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુનાવણી કરી રજૂઆતોને સાંભળીને આગળની કાર્યવાહી તાત્કાલિક થાય તેવા પ્રયત્નો કરાશે. લાયસન્સ વિના ચાલતા ધંધા સામે અત્યાર સુધી કાર્યવાહી ન થવા અંગે તેમણે જણાવ્યું હતું કે, આરએમસી એક્ટ મુજબ કોર્પોરેશનના નવા અધિનિયમો અને નિયમો બનાવી તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.