મીઠું અને બ્રોમિન ઉદ્યોગમાં છ દાયકાથી વધુનું યોગદાન આપનાર ડી.એસ.ઝાલાનું સાન ફ્રાન્સિસ્કોમાં સન્માનમોરબી અપડેટ : દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક ડૉ. દેવેન્દ્રસિંહ ઝાલા (ડી. એસ. ઝાલા)ને ૮૬ વર્ષની વયે ‘ફિલોસોફી ઓફ સોલ્ટ પ્રોસેસિંગ એન્ડ પ્રોડક્શન’ વિષયમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. ૬ જૂને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલા સમારોહમાં અમેરિકન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (AIU) દ્વારા તેમને આ પદવી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ૮૬ વર્ષની વયે આ ક્ષેત્રમાં આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે.ભારતના મીઠું અને સોડા એશ ઉદ્યોગના અગ્રણી સ્વ. કપિલરામ વકીલના પુત્ર એસ. કે. વકીલના માર્ગદર્શન હેઠળ ડૉ. ઝાલાએ મીઠાના ઉદ્યોગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. મીઠું અને બ્રોમિન ઉદ્યોગમાં છ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા ડૉ. ઝાલા ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને કચ્છ સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે. ભારત સરકારે તેમને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ (સોલ્ટ)ના સભ્ય તરીકે પણ નિયુક્ત કર્યા હતા.ડૉ. ઝાલાએ દેશ-વિદેશની ૧૦થી વધુ સોલ્ટ કોન્ફરન્સમાં સંશોધનપત્રો રજૂ કર્યા છે. મે ૨૦૦૦માં નેધરલેન્ડ્સના ધ હેગ ખાતે યોજાયેલા આઠમા વર્લ્ડ સોલ્ટ સિમ્પોઝિયમમાં ‘ડીપ ચાર્જિંગ ઓફ સોલ્ટ પાન્સ’ અને ‘પર્યાવરણને અનુકૂળ સોલ્ટ વર્ક્સ’ વિષય પરના તેમના સંશોધનપત્રોને વિશેષ સન્માન મળ્યું હતું.ડૉ. ઝાલા જામનગરના નર્મદેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના આજીવન પ્રમુખ છે. તેમણે દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને તેના ચેરમેન તરીકે સેવા આપે છે. ફાઉન્ડેશન સ્થાનિક લોકોને મફત દવાઓ અને શિક્ષણમાં સહાય પૂરી પાડે છે. તે સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓના વિકાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ કામ કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.