અગાઉ 13 દુકાનધારકોને નોટિસ અપાયા બાદ ફરી વેચાણ શરૂ થતાં મનપા તંત્રની કાર્યવાહીમોરબી અપડેટ : મોરબીના ખાટકીવાસ ચોકમાં અગાઉ આપવામાં આવેલી નોટિસો બાદ નોનવેજનું વેચાણ ચાલુ રખાતા મહાનગરપાલિકા તંત્રએ લાલ આંખ કરી ઈન્સ્પેક્શન હાથ ધર્યું હતું. જે દરમિયાન નિયમ વિરુદ્ધ નોનવેજનું વેચાણ કરતી બે દુકાનોને સીલ મારી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન સ્થાનિકોએ ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો.મોરબીના ખાટકીવાસ ચોકમાં અગાઉ નોટિસો અપાયા બાદ અને વેપારીઓ દ્વારા બાંહેધરી આપવામાં આવી હોવા છતાં નોનવેજનું વેચાણ યથાવત રાખવામાં આવ્યું હતું. નિયમોના ઉલ્લંઘનની નોંધ લઈને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની અને ફૂડ વિભાગ સહિતની ટીમો ખાટકીવાસ ચોક ખાતે દોડી ગઈ હતી. સવારથી જ શરૂ કરાયેલી આ ઝુંબેશમાં ફૂડ વિભાગ અને મનપાની ટીમોએ તપાસ કરીને ગેરકાયદે વેપાર ચલાવતી બે દુકાનોને સીલિંગની કાર્યવાહી હેઠળ તાળાં મારી દીધા હતા. આ કાર્યવાહી અંગે વિગતો આપતા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ખાટકીવાસ વિસ્તારમાં અગાઉ 13 જેટલા દુકાનધારકોને નોટિસ આપવામાં આવી હતી કે અહીં આ પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે નહીં. તે સમયે દુકાનધારકોએ પણ પરવાનગી અને લાયસન્સ વગર આ પ્રકારનું કોઈ વેચાણ નહીં કરવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં ફરીથી વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાથી સમગ્ર ટીમ સાથે સવારથી ઈન્સ્પેક્શન શરૂ કરાયું હતું, જેમાં નિયમ વિરુદ્ધ વેચાણ કરતા બે દુકાનધારકોની દુકાનોને કોર્પોરેશનની ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી : સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, ટીમ સાથે ચકમકઆ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની ટીમો સાથે એલસીબી (LCB) અને એ ડિવિઝન પોલીસ સહિતનો કાફલો પણ સ્થળ પર જોડાયો હતો. કામગીરી શરૂ થતાં જ સ્થાનિક લોકોએ એકત્ર થઈને તંત્રના આ પગલાં સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન સ્થાનિકો અને મહાનગરપાલિકાની ટીમ વચ્ચે થોડી ચકમક પણ ઝરી હતી, જેના પગલે સ્થળ પર થોડા સમય માટે વાતાવરણમાં ગરમાવો પ્રસરી ગયો હતો. મહાનગરપાલિકા કચેરીએ બે કલાકથી વધુ સમયથી મહિલાઓની ઉગ્ર રજૂઆતખાટકીવાસની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો મહાનગરપાલિકા કચેરી ખાતે પણ પડ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, જેમાં ખાસ કરીને સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ પહોંચીને મોરચો માંડ્યો હતો. આ મહિલાઓ બે કલાકથી પણ વધુ સમય સુધી કચેરીના પરિસરમાં ઉપસ્થિત રહીને તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવાના સતત પ્રયત્નો કરતી જોવા મળી હતી. એકસાથે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ઉગ્ર રજૂઆત માટે ઉમટી પડતાં મહાનગરપાલિકા કચેરી ખાતે પણ લાંબા સમય સુધી ગરમાવો સર્જાયો હતો.