માલિકનું પ્રત્યક્ષ રહેવું હવે ફરજિયાત નહીં, 2 વર્ષની નોંધણી માટે ઓનલાઈન સેલ્ફ-રિન્યુઅલની સુવિધા : રાજ્યમાં હોમસ્ટેની સંખ્યામાં 105.4 ટકાનો ઉછાળોમોરબી અપડેટ: રાજ્યના પ્રવાસન ક્ષેત્રે સ્વરોજગારને વેગ આપવા અને ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે નીતિમાં મહત્વપૂર્ણ સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા છે. આ નીતિગત ફેરફારોથી હોમસ્ટે વ્યવસાય શરૂ કરવો અને તેનું સંચાલન કરવું વધુ સુગમ બન્યું છે.નવી સુધારેલી જોગવાઈઓ મુજબ, હોમસ્ટેમાં મંજૂર રૂમોની મહત્તમ મર્યાદા 6 થી વધારીને 9 કરવામાં આવી છે. વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ કરતાં હવે હોમસ્ટે પરિસરમાં માલિકનું પ્રત્યક્ષ રહેવું ફરજિયાત નથી અને તેના સંચાલન માટે અધિકૃત મેનેજરની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, નોંધણી સમયે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની અનિવાર્યતા પણ દૂર કરવામાં આવી છે, જોકે પ્રવાસીઓની સુરક્ષાના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે.હોમસ્ટેની નોંધણી 2 વર્ષ માટે માન્ય રહેશે અને તેનું રિન્યુઅલ હવે ભૌતિક ચકાસણી વિના માત્ર ઓનલાઇન સેલ્ફ-ડિક્લેરેશન (સેલ્ફ-રિન્યુઅલ) દ્વારા કરી શકાશે. રિન્યુઅલ સમયે નવી ભૌતિક તપાસ ફરજિયાત રહેશે નહીં, પરંતુ જરૂરિયાત મુજબ રિસ્ક-બેઝ્ડ અથવા રેન્ડમ તપાસ થઈ શકશે. હોમસ્ટેની ઓનલાઈન નોંધણી commissionertourism.gujarat.gov.in/home-stay/register વેબસાઈટ પરથી કરી શકાશે.આ નીતિગત સુધારા જમીની સ્તરે પરિણામલક્ષી સાબિત થાય તે માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વિશેષ માર્ગદર્શન વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસન સ્થળોની નજીક રહેતા નાગરિકોને મિલકતને આધુનિક હોમસ્ટે તરીકે વિકસાવવા, ભાવ નિર્ધારણ, ડિજિટલ માર્કેટિંગ અને સ્થાનિક સંસ્કૃતિ આધારિત પ્રવૃત્તિઓ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે. વર્કશોપમાં ભાગ લેવા માટે www.gujarattourism.com/forms/guide-tourist.html પર નોંધણી કરાવી શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હોમસ્ટેની સંખ્યા વર્ષ 2025-26 માં 148 હતી, જે વર્ષ 2026-27 માં 105.4 ટકાના નોંધપાત્ર ઉછાળા સાથે 304 સુધી પહોંચી છે. સરકારની આ ઉદ્યોગ-સાહસિકતા તરફી નીતિથી સ્થાનિક અર્થતંત્ર અને સ્વરોજગારને નવી ગતિ મળી રહી છે.#Gujarat #Homestay #GujaratTourism #EaseOfDoingBusiness #SelfEmployment #MorbiUpdate #MorbiNews