મોટર વાહન નિયમોમાં સુધારો જાહેર કરાયો, ટુ-વ્હીલરથી ખાનગી બસ અને ટ્રક સુધી જોગવાઈ લાગુ પડશેમોરબી અપડેટ : ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, સંકેતો કે ચિહ્નો પ્રદર્શિત કરી શકાશે નહીં. રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ ઉમેરી છે. આ જોગવાઈ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, ખાનગી બસ અને ટ્રક સહિત તમામ પ્રકારનાં ખાનગી વાહનોને લાગુ પડશે.રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે 17 નવેમ્બરે ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કર્યા છે. સુધારા હેઠળ નિયમ 125ના પેટાનિયમ (1)માં વાહનો પર જાહેરાતનાં ઉપકરણો અને આકૃતિઓ અંગેની જોગવાઈમાં ‘જાતિસૂચક ચિહ્નો’નો સ્પષ્ટ ઉલ્લેખ ઉમેરાયો છે.સરકારના હુકમથી અપવાદને મંજૂરી મળી શકશેનિયમ 138માં ઉમેરાયેલા પેટાનિયમ (3) મુજબ, ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. રાજ્ય સરકાર સામાન્ય કે વિશેષ હુકમથી મંજૂરી આપે તેવા કિસ્સામાં અપવાદ રહેશે.આ સુધારાનો મુસદ્દો 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરાયો હતો. સરકારે વાંધા અને સૂચનો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ સમયગાળામાં કોઈ વાંધો કે સૂચન મળ્યું ન હોવાથી અંતિમ નિયમો જાહેર કરાયા છે.