બંને પેપરના ગુણ અલગ જાહેર કરવા, ઉત્તરવહી અને સત્તાવાર આન્સર કી પ્રસિદ્ધ કરવા સહિત 7 મુદ્દે નિષ્પક્ષ તપાસની માંગમોરબી અપડેટ : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TAT HS (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષાના પરિણામ સામે ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજ રોજ તા. 20/11/2026 ના રોજ TAT HS ના ઉમેદવારો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પરિણામમાં નિષ્પક્ષ તપાસ કરવા અને ઉમેદવારોના હિતમાં સત્વરે નિર્ણય લેવાની શાંતિપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગત તા. 08/08/2026 ના રોજ TAT HS ની મુખ્ય પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ તા. 06/11/2026 ના રોજ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં મળેલા ગુણ બાબતે હજારો ઉમેદવારોમાં અસંતોષ છે. ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં પ્રિલિમ્સ ટોપર, યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ, 10 થી 15 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો, પી.એચ.ડી. કરતા ઉમેદવારો તેમજ શિક્ષણમંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર અને પુસ્તક પ્રકાશિત કરતા શિક્ષકો પણ સામેલ હતા. 150 થી વધુ ગુણનું સચોટ લખાણ લખ્યું હોવા છતાં આવા લાયક ઉમેદવારોના પરિણામ સરેરાશ 80 થી 110 ગુણ વચ્ચે જ આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.ઉમેદવારો દ્વારા મુખ્ય 7 મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે * TAT HS મુખ્ય પરીક્ષાના પરિણામમાં ઉમેદવારોએ આપેલ બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે.* દરેક ઉમેદવારના સીટ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, કેટેગરી અને વિષયવાર પરિણામનું લિસ્ટ જાહેર કરાય, તેમજ જેમણે એક જ પેપર આપ્યું હોય તેમનું પણ લિસ્ટ જાહેર કરવામાં આવે.* દરેક ઉમેદવારને પોતે લખેલી બંને પેપરની ઉત્તરવહી જાહેર કરવામાં આવે.* રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પેપર 1 (ગુજરાતી ભાષા સજ્જતા) અને પેપર 2 (વિષય) ની અધિકૃત જવાબવહી (આન્સર કી) જાહેર કરવામાં આવે.* પરિણામના જાહેરનામામાં આપેલા આંકડાઓમાં દેખાતી વિસંગતતા અંગે ખુલાસો આપવામાં આવે.* અભ્યાસક્રમ ધોરણ 11-12 સુધીનો હોવા છતાં કઠિનતા મૂલ્ય અનુસ્નાતક કક્ષાનું રાખવામાં આવ્યું છે, તો પેપર તપાસનારની લાયકાત પણ એમ.એડ. અથવા પ્રોફેસર સમકક્ષ હોવી જોઈએ કે નહીં તેનો ખુલાસો કરાય.* મુખ્ય પરીક્ષાના જાહેરનામામાં મૂલ્યાંકન માટેના કોઈ માપદંડ કે નિયમો જાહેર ન કરાયા હોય તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવે.અંતે, તમામ ઉમેદવારોએ આ મુદ્દાઓ પર ધ્યાન આપી નિષ્પક્ષ તપાસ કરી ઉમેદવારોના હિતમાં સત્વરે યોગ્ય નિર્ણય લેવાની માંગણી કરી છે.#Morbi #MorbiNews #TATHS #TATHSResult #GujaratEducation #MorbiCollector #ExamResult #MorbiUpdates