સિવિલમાં દર મહિને 400 જેટલી પ્રસૂતિ અને 150થી વધુ નવજાત શિશુઓને SNCU માં અપાય છે આધુનિક નિઃશુલ્ક તબીબી સારવારબહાર હજારો રૂપિયાનો ખર્ચ માંગતી બ્લડ એક્સચેન્જ અને સેન્ટ્રલ લાઈન જેવી અત્યાધુનિક સુવિધાઓ સિવિલ હોસ્પિટલમાં મળે છે સંપૂર્ણપણે નિઃશુલ્કમોરબી અપડેટ : નાગરિકોને ઘરઆંગણે ઉત્કૃષ્ટ, પારદર્શક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની હંમેશાં સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત SNCU (Special Newborn Care Unit) આજે નવજાત શિશુઓના સ્વાસ્થ્ય અને સુરક્ષિત ભવિષ્ય માટે સંજીવની સમાન સાબિત થઈ રહી છે. અહીં તબીબો અને સમર્પિત આરોગ્યકર્મીઓની નિષ્ઠા તથા આધુનિક સુવિધાઓના સમન્વયથી અસંખ્ય નવજાત બાળકોને નવું જીવન મળી રહ્યું છે.અત્યાધુનિક સુવિધાઓ અને સઘન સારવારમોરબી સિવિલ હોસ્પિટલમાં દર મહિને અંદાજે 400 જેટલી ડિલિવરી થાય છે, જેમાંથી જરૂરિયાત મુજબ 150 થી 160 જેટલા નવજાત શિશુઓ (0 થી 28 દિવસના બાળકો) ને SNCU માં એડમિટ કરીને વિશેષ સારવાર આપવામાં આવે છે. શ્વાસ લેવામાં તકલીફ, અધૂરા મહિને જન્મ, જન્મ સમયે બાળકે તાજું રડવું નહીં કે કમળાની અતિશય તકલીફ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં આ વિભાગ આશીર્વાદરૂપ બને છે. SNCU વિભાગમાં હાઇટેક મશીનરી ઉપલબ્ધ છે, જેમાં ઓક્સિજન પૂરું પાડતું CPAP મશીન, બાળકના ફેફસાં ખોલીને મજબૂત બનાવતું સર્ફેક્ટન્ટ, શ્વાસ માટે વેન્ટિલેટર તેમજ કમળો ઓછો કરવા માટે ખાસ UV લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ છે.ખર્ચાળ સારવાર હવે મોરબી સિવિલમાં સંપૂર્ણપણે નિઃશુલ્કગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખર્ચાળ બનતી તબીબી સેવાઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. જો બાળકનો કમળો સામાન્ય ઉપચારથી ઓછો ન થાય તો અહીં આખું લોહી પણ બદલી (Blood Exchange) આપવામાં આવે છે, જેનો બહાર ખર્ચ રૂ. 10 થી 12 હજાર જેટલો થાય છે પરંતુ અહીં આ સેવા સંપૂર્ણ નિઃશુલ્ક છે. આ ઉપરાંત, જરૂરિયાત પડે બાળકને સેન્ટ્રલ લાઈન (UVC) આપવાની સારવાર પણ બહાર ખર્ચાળ છે, જે અહીં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. સાથોસાથ, તકલીફવાળા બાળકોની આંખોની સુરક્ષા માટે દર અઠવાડિયાના બુધવારે ROP (આંખની તપાસ) પણ કરવામાં આવે છે.દરેક નાનકડા જીવનને સુરક્ષિત શરૂઆત અને સ્વસ્થ આવતીકાલ મળે તે માટે નિષ્ણાત તબીબો અને સંવેદનશીલ આરોગ્યકર્મીઓની ટીમ કાર્યરત છે. નવજાત શિશુઓની અવિરત સારવાર થકી અનેક પરિવારોના ચહેરા પર ખુશીની લહેર છલકાય છે.