સંયુક્ત માલિકીની જમીન સહહિસ્સેદારોની સંમતિ કે વિધિવત વહેંચણી વગર વેચાણ કરવામાં આવતા પ્રાંત અધિકારીએ નોંધ રદ કરી મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામમા કરોડોની કિંમતની ગણાતી સંયુક્ત માલિકીની ખેતીની જમીન સહહિસ્સેદારોની સંમતિ વગર વેચાણ કરવામાં આવ્યા બાદ ગામ દફ્તરે થયેલી વેચાણ નોંધ અંગે સહ હિસ્સેદારોએ વાંધો ઉઠાવી પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતા મોરબી પ્રાંત અધિકારીએ મહત્વનો ચુકાદો આપી સંયુક્ત માલિકીની ખેતી જમીનમાં વણવહેંચાયેલા હિસ્સાના વેચાણ અંગેની વેચાણ નોંધ નામંજુર કરવા હુકમ કર્યો હતો.આ કેસની વિગત જોઈએ તો મોરબી તાલુકાના ઘુંટુ ગામના રેવન્યુ સર્વે નં. ૧૦૭૬ પૈકી ૨ અને ૧૦૭૬ પૈકી ૩ ની કુલ હે. ૨-૪૨-૮૨ આરે.ચો.મી. જમીન ખાતા નં. ૧૯૫૨ હેઠળ કુલ ૧૭ સહહિસ્સેદારોના સંયુક્ત નામે ચાલે છે. તે પૈકીના નાથાભાઈ સામંતભાઈ, જેમલભાઈ ટમારીયા અને ભાંગરા પરિવારના વારસદારો સહિતના સહહિસ્સેદારોએ તેમના વણવહેંચાયેલા ૬૬.૬૬ ટકા હિસ્સાની જમીન તા. ૧૪/૦૮/૨૦૨૬ ના રોજ રજિસ્ટર્ડ દસ્તાવેજ નં. ૧૫૫૯૬ થી પ્રકાશભાઈ કરશનભાઈ સાંખે ભાડજાને વેચાણ આપી હતી, જેની ગામ દફતરે વેચાણ નોંધ નં. ૧૨૭૭૬ દાખલ થઈ હતી. આ વેચાણ નોંધ સામે અન્ય સહહિસ્સેદારો સજનબા જેસીંગભાઈ કરોતરા, કાનજીભાઈ કરોતરા અને અજયભાઈ ખાંભલાના વારસદારો સહિતના ૧૦ અરજદારોએ પ્રાંત અધિકારી સમક્ષ વાંધા અરજી દાખલ કરી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ જમીન સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાની છે તથા આજદિન સુધી તેની કોઈ વિધિવત વહેંચણી થઈ નથી કે વેચાણ અંગે તેમની સંમતિ લેવાઈ નથી. જો આ નોંધ મંજૂર થાય તો સંયુક્ત જમીનમાં ખેડવાણ અને પરિવારના ગુજરાન ચલાવવા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય તેમ છે. બીજી તરફ, ખરીદદાર દ્વારા સરકારના માર્ચ ૨૦૨૫ ના પરિપત્રનો હવાલો આપી વણવહેંચાયેલા હિસ્સાનું વેચાણ કાયદેસર હોવાની દલીલ કરાઈ હતી. બંને પક્ષોની દલીલો અને રેવન્યુ રેકર્ડની તપાસ બાદ પ્રાંત અધિકારીએ અવલોકન કર્યું હતું કે સંયુક્ત માલિકીની જમીનની વહેંચણી ન થઈ હોવાથી કોના હિસ્સાની અને કયા ભાગની કબજાવાળી જમીન વેચાઈ છે તે નક્કી થઈ શકતું નથી, તેમજ હિસ્સા નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટની છે. ભવિષ્યમાં વહેંચણી સમયે લિટીગેશન ઊભું થવાની શક્યતાને જોતા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની કોર્ટે અરજદારોની વાંધા અરજી અંશતઃ મંજૂર રાખી વેચાણ નોંધ નં. ૧૨૭૭૬ નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.