નદીના પટમાં જાનમાલના ખતરા વચ્ચે ન રહેવા વારંવાર સમજાવવા છતા ત્યાં ફરી ઝુપડા બાંધી લેતા હતા, હવે કાયમી સુરક્ષાકર્મી તૈનાત કરી જરૂર પડે તો પોલીસ કાર્યવાહી પણ કરાશે : મ્યુનિ.કમિશનર મોરબી અપડેટ : મોરબી શહેરના બેઠાપુલ નીચે આવેલા નદીના પટમાં વારંવાર ઊભા કરી દેવામાં આવતા ઝૂંપડા સામે મહાનગરપાલિકા તંત્રએ હવે લાલ આંખ કરી છે. અગાઉ ત્રણથી ચાર વખત માનવતાના ધોરણે ડ્રાઈવ યોજી સમજાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હોવા છતાં આસપાસના સ્લમ વિસ્તારના લોકો રાત્રે સૂવા માટે ફરી ત્યાં ઝૂંપડા બાંધી દે છે. નદીના પટમાં પોતાના જાનમાલના જોખમે કરાતા આ દબાણથી વિસ્તારમાં ગંદકી અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોવાથી હવે તંત્રએ ત્યાં નિયમિત સુરક્ષાકર્મી તૈનાત કરવાનો નિર્ણય લીધો છે અને જો હવે ફરી ઝૂંપડું દેખાશે તો સીધી ફોજદારી કાર્યવાહી કરવાની કડક ચીમકી ઉચ્ચારી છે.મોરબી મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ મહાનગરપાલિકાએ સ્વચ્છતા અને દબાણ મુક્તિને ટોચની પ્રાથમિકતા આપી છે. બેઠાપુલ નીચે નદીના પટમાં થતા દબાણ અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, અગાઉ પણ ત્રણથી ચાર વખત રૂબરૂ જઈને દબાણ હટાવવાની ડ્રાઈવ કરવામાં આવી હતી, પરંતુ નજીકના સ્લમ વિસ્તારના લોકો દ્વારા રાત્રે સૂવા માટે ત્યાં વારંવાર ઝૂંપડીઓ બાંધી દેવામાં આવે છે. માનવતાના ધોરણે અવારનવાર તાકીદ કરી હટાવ્યા હોવા છતાં તેઓ પોતાના જાન-માલનો ખતરો સ્વીકારીને પણ ફરી આવી જાય છે અને તેના કારણે ત્યાં ભારે ગંદકી ફેલાય છે તેમજ ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે.મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્થિતિને ધ્યાને રાખી કોર્પોરેશન હવે ખૂબ જ કડક બન્યું છે અને ત્યાંના રહેવાસીઓને ફરીથી આખરી તાકીદ તથા ચીમકી આપી દેવામાં આવી છે. જો આજ પછી નદીના પટમાં ફરી ઝૂંપડું દેખાશે તો સીધી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમજ દબાણ અટકાવવા ત્યાં નિયમિતપણે મનપાના એક સુરક્ષાકર્મીને બેસાડવામાં આવશે. આ ઉપરાંત શહેરની અન્ય સરકારી જમીનો પરથી પણ દબાણો દૂર કરવાની કામગીરીને અગ્રતા આપવામાં આવી છે, જેથી ખુલ્લી થયેલી સરકારી જમીન પર નાગરિકોની સુવિધા માટે અલગ-અલગ ગાર્ડન, આંગણવાડી, સ્કૂલ તેમજ ભવિષ્યમાં યુએચસી (અર્બન હેલ્થ સેન્ટર) અને વોર્ડ ઓફિસોનું બાંધકામ કરી શકાય.દબાણ હટાવ્યા બાદ ફરી કબજો કરનારાઓના ધંધા કાયમી બંધ કરાવાશેશહેરમાં અગાઉ જે સ્થળોએથી દબાણો ખસેડવામાં આવ્યા હતા ત્યાં પુનઃ મુલાકાત લેતા દબાણકર્તાઓ ફરીથી ગોઠવાઈ ગયા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આ અંગે અંતિમ તાકીદ કરતા કમિશનરે જણાવ્યું હતું કે, અગાઉ લોકોના ધંધા-વ્યવસાય અને જરૂરિયાતને ધ્યાને રાખી માનવતાની દ્રષ્ટિએ માત્ર દંડ વસૂલીને દબાણ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ વારંવારના દબાણથી કોર્પોરેશનને ભારે તકલીફ પડે છે અને મશીનરી પણ ઘસાય છે, જેથી હવે ફરી દબાણ કરનારાઓ સામે સીધી ફોજદારી કાર્યવાહી કરી તેમના ધંધા કાયમી ધોરણે બંધ કરાવવા સુધીના કડક પગલાં લેવાશે.'ક્લીન મોરબી' માટે 100 દિવસ 35 કર્મીની ખાસ ટીમ, અસહયોગ પર દંડમ્યુનિ.કમિશનરના જણાવ્યા અનુસાર 'ક્લીન મોરબી'ના લક્ષ્યાંક સાથે મહાનગરપાલિકાએ 100 દિવસ માટે 35 સફાઈ કર્મચારીઓની અલાયદી ટીમ મેદાને ઉતારી છે, જે વોર્ડવાઈઝ ફરીને સઘન સફાઈ કરી રહી છે. સફાઈ કામગીરીમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓને પણ તંત્ર દ્વારા ધ્યાને લેવાયા છે. વિવિધ વિસ્તારોમાં રહીશો સાથે બેઠકો યોજી જાગૃતિ લાવવાના પ્રયાસો વચ્ચે અસહયોગ દાખવનારા અનેક રહેવાસીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વડાપ્રધાનના 'આપણો કચરો આપણી જવાબદારી અને આપણી સ્વચ્છતા આપણી જવાબદારી'ના આગ્રહને ટાંકી કમિશનરે સૌને સહયોગ આપવા અપીલ કરી છે.ડોર-ટુ-ડોર કલેક્શનના પોઈન્ટ બમણા : 2000થી વધીને 3600 પીઓઆઈમ્યુનિ. કમિશનરના જણાવ્યા મુજબ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાએ ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનું નેટવર્ક લગભગ બમણું કરી દીધું છે. અગાઉ શહેરમાં 2000 પીઓઆઈ (પોઈન્ટ ઓફ ઈન્ટરેસ્ટ) હતા, જે વધારીને હવે 3600 પીઓઆઈ કરી દેવામાં આવ્યા છે. શહેરીજનો અને વેપારીઓને પોતાના ઘર તથા દુકાનનો કચરો ડસ્ટબીનમાં જ રાખીને ટ્રેક્ટર કે બંધ બોડીના વાહનોમાં નાખવા અપીલ કરાઈ છે. આ સાથે જ જે તે વિસ્તારના રહીશોની અનુકૂળતા મુજબ કચરા કલેક્શનના વાહનોના સમયમાં પણ ફેરફાર કરી આપવાની તંત્ર દ્વારા ખાતરી અપાઈ છે.મનપામાં ભળેલી 9 ગ્રામ પંચાયતોમાં ખાસ ઝુંબેશ, વોર્ડ નં. 5ના કામોની સમીક્ષામ્યુનિ.કમિશનરે જણાવ્યું કે મહાનગરપાલિકામાં ભળેલી 9 ગ્રામ પંચાયતોને લક્ષ્યાંક બનાવી ત્યાંના દબાણો, જર્જરિત બાંધકામો અને સફાઈના પ્રશ્નોના ઉકેલ માટે જે તે વોર્ડના કોર્પોરેટરો અને સમિતિના ચેરમેનોને સાથે રાખી સ્થળ મુલાકાતનું અભિયાન શરૂ કરાયું છે. અગાઉ મહેન્દ્રનગર અને ત્રાજપરની મુલાકાત બાદ વોર્ડ નં. 5ની વિઝિટ લેવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં ચાલી રહેલા સ્ટોર્મ વોટર લાઈન સહિતના વિકાસકામોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરાયા હતા તેમજ સંબંધિત એજન્સીને રૂબરૂ બોલાવીને તાકીદ કરવામાં આવી હતી.શહેરમાં મોટા દબાણો હટાવવામાં પણ મહાપાલિકા રસ લ્યે તેવી જાગૃત નાગરિકોની માંગમહાપાલિકા દ્વારા દબાણનો મુદ્દો પ્રાથમિકતામાં લેવામાં આવ્યો છે. પણ શહેરમાં અનેક મોટા દબાણો સામે મહાપાલિકા તંત્ર લાજ કાઢી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. અગાઉ ભૂતકાળમાં પણ કોંગ્રેસે દબાણનો મુદ્દો ઉઠાવીને ભેદભાવ ન કરી મોટા માથાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે હજુ જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે નાના માણસો સામે કાર્યવાહી પહેલા મહાપાલિકા મોટા દબાણો ઉપર કાર્યવાહી શરૂ કરે.