અજાણી સફેદ કલરની કારના ચાલકે ઠોકર મારતા ચાંચાપરની પરિણીતાનું મોત, વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ વાંકાનેર : મોરબી તાલુકાના ચાંચાપર ગામનો રહેવાસી પરિવાર પદયાત્રા કરી ચોટીલા માનતા પૂર્ણ કરવા જતો હતો ત્યારે વાંકાનેર - ચોટીલા નેશનલ હાઇવે પર જોધપર ગામ નજીક એક સફેદ કલરની કારના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી પરિણીતાને હડફેટે લેતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું. હિટ એન્ડ રનના અકસ્માતના આ બનાવમાં અકસ્માત સર્જી કારનો ચાલક નાસી ગયો જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા ફરિયાદી કેશવજીભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.12ના રોજ તેઓ તેમના પત્ની દિવ્યાબેન ઉર્ફે દેવુબેન અને સંબંધીઓ સાથે માનતા પૂરી કરવા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે મધરાત્રે સાડા બારેક વાગ્યે તેઓ વાંકાનેરના જોધપર ગામ પાસે નેશનલ હાઈવેનો ઓવરબ્રિજ પાસે પાછળથી પુરઝડપે અને બેદરકારીથી આવેલી અજાણી સફેદ કારના ચાલકે દિવ્યાબેનને અડફેટે લીધા હતા અને કાર લઈને નાસી છૂટ્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત દિવ્યાબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પત્નીની અંતિમવિધિ બાદ કેશવજીભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હિટ એન્ડ રનની આ ઘટનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.