સવારે 6:30ની ફ્લાઈટ પહેલા રાત્રે 10:20 અને ત્યારબાદ 1 વાગ્યા સુધી ઠેલાયા બાદ એરલાઇન્સે હાથ ઊંચા કરી દેતા મુસાફરોમાં ભારે રોષમોરબી અપડેટ : અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં સતત વિલંબ અને એરલાઈન્સના ઉદ્ધત વલણના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 18 તારીખે સવારે 6:30 વાગ્યે ઉપડનારી ફ્લાઈટને પહેલા રાત્રે 10:20 વાગ્યે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી સતત ડિલે કરીને છેક રાત્રે 1 વાગ્યા સુધી લંબાવી દેવાઈ હતી. ત્યારબાદ એરલાઇન્સે હાથ ઉંચા કરી દેતા મોરબી, વડોદરા અને આણંદ સહિતના શહેરોમાંથી આવેલા મુસાફરો મધરાતે અટવાઈ પડ્યા હતા. એરલાઈન્સના જવાબદાર અધિકારીઓએ ટિકિટનું રિફંડ આપવાનો કે અન્ય ફ્લાઈટમાં મુસાફરોને દિલ્હી મોકલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. અઢી કલાક સુધી ઉગ્ર રકઝક ચાલી હોવા છતાં સ્ટાફે કોઈ ઉકેલ ન લાવતા અને મુસાફરોને ચા-પાણી પણ ન પૂછતા એરલાઈન્સ સામે ભારે આક્રોશ ફેલાયો છે. અમદાવાદના સંદીપભાઈ ભાડાણીના જણાવ્યા અનુસાર 18 તારીખે સવારે 6:30 વાગ્યાની અમદાવાદથી દિલ્હીની સ્પાઈસજેટની ફ્લાઈટ હતી. કંપની દ્વારા આ ફ્લાઈટમાં ફેરફાર કરીને તમામ મુસાફરોને રાત્રે 10:20 વાગ્યાની ફ્લાઈટમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યા હતા. જોકે, આ ફ્લાઈટ પણ સમયસર ઉપડવાને બદલે બપોરે 2 વાગ્યાથી જ સતત ડિલે કરવામાં આવી રહી હતી અને વારંવાર સમય આગળ ધપાવીને અંતે રાત્રે 1 વાગ્યાની કરી નાખવામાં આવી હતી. સ્થાનિક મુસાફરોને તો વાંધો ન આવ્યો, પરંતુ મોરબી, વડોદરા અને આણંદ જેવા બહારગામથી આવેલા મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો રાત્રે 12 વાગ્યે ક્યાં જવું તેવી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા.આ મામલે રોષે ભરાયેલા મુસાફરોએ સ્પાઈસજેટના અધિકૃત કર્મચારીઓ સમક્ષ રજૂઆત કરીને યોગ્ય પ્રતિસાદ આપવા માંગ કરી હતી. પરંતુ એરલાઈન્સ દ્વારા ન તો રિફંડ માટે સંમતિ દર્શાવવામાં આવી કે ન તો પોતાની જ અન્ય કોઈ ફ્લાઈટમાં મુસાફરોને દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરી અપાઈ. મુસાફરો અને સ્ટાફ વચ્ચે અઢી કલાક સુધી ભારે માથાકૂટ અને ઝઘડો થયો હોવા છતાં કોઈ રસ્તો ન નીકળ્યો અને સ્ટાફે સૌજન્ય ખાતર ચા-પાણીની પણ દરકાર ન લીધી. અંતે મુસાફરોએ પોતપોતાની રીતે વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.