છેલ્લા લાંબા સમયથી બેફામ દોડતા વાહનોને કારણે અનેક લોકોના ભોગ લેવાયા બાદ તંત્ર જાગ્યું : બે દિવસમાં 41 ભારે વાહનો સામે કાર્યવાહીમોરબી અપડેટ : મોરબી પંથકમાં છેલ્લા લાંબા સમયથી ઓવરલોડ અને નંબર પ્લેટ વિના બેફામ દોડતા ભારે વાહનોનો ત્રાસ સતત વધી રહ્યો હતો, જેને પગલે અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ બાદ આખરે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા બે દિવસથી ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર-ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નંબર પ્લેટ વિનાના અને નિયમ કરતા વધુ વજન ભરીને દોડતા ડમ્પરો તેમજ ટ્રક ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત ગઈકાલે 20 જેટલા ડમ્પરો ડિટેઇન કરવામાં આવ્યા હતા, જ્યારે આજે વધુ 21 ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવતા બે દિવસમાં કુલ 41 ડમ્પરો ડિટેઇન કરાયા છે. આ અંગે ટ્રાફિક પીઆઇ એચ.વી. ઘેલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા આ વાહન ચાલકો સામેની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. જોકે, અકસ્માતોની હારમાળા બાદ જાગેલું પોલીસ તંત્ર આ ઝુંબેશ કેટલા દિવસ સુધી ચલાવશે અને થોડા સમય પછી ફરીથી નંબર પ્લેટ વિનાના ડમ્પરો રસ્તા પર મોતનો સામાન બનીને ફરતા થઈ જશે કે કેમ, તે તો આવનારો સમય જ કહેશે.