મોરબી અપડેટ: ભક્તિ, પ્રકૃતિ અને અતૂટ શ્રદ્ધાના મહાસંગમ સમાન પવિત્ર 'લીલી પરિક્રમા-2026'નો આગામી તા. 20 થી 24 નવેમ્બર દરમિયાન જૂનાગઢના ગિરનાર ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં આવનાર ભાવિકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી દ્વારા વહીવટી તંત્રને સજ્જ કરાયું છે. યાત્રિકો કોઈપણ વિઘ્ન વિના સુરક્ષિત રીતે પરિક્રમા પૂર્ણ કરી શકે તે માટે તંત્ર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનું પાલન કરવું દરેક યાત્રિક માટે અનિવાર્ય છે.પરિક્રમા માટે જરૂરી નિયમો અને પ્રતિબંધો: • પ્લાસ્ટિક મુક્ત યાત્રા: પરિક્રમા પથની પવિત્રતા અને પર્યાવરણ જાળવવા પ્લાસ્ટિકની થેલીઓ, ઝબલા કે પાણીની પ્લાસ્ટિક બોટલો સાથે લઈ જવા પર મનાઈ છે. • જ્વલનશીલ પદાર્થો પર પ્રતિબંધ: જંગલમાં સૂકા ઘાસને કારણે આગ લાગવાનું મોટું જોખમ હોવાથી બીડી, સિગારેટ, માચીસ કે કોઈપણ જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા અનુરોધ કરાયો છે. • વન્યજીવોની સુરક્ષા: ગીર વિસ્તાર વન્ય પ્રાણીઓનું રહેઠાણ છે, તેથી નિર્ધારિત રૂટની બહાર જંગલમાં ભટકવું નહીં અને હંમેશા સમૂહમાં જ ચાલવું. • વૃદ્ધો અને બાળકો માટે ખાસ અપીલ: પીવાના પાણીની મર્યાદિત વ્યવસ્થા, ભીડ અને કઠિન રસ્તાઓને ધ્યાનમાં રાખીને અત્યંત વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને નાના બાળકોને સાથે ન લાવવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.પરિક્રમાની તૈયારી કેવી રીતે કરવી? • ચાલવાની પ્રેક્ટિસ: આ યાત્રા આશરે 36 કિલોમીટર લાંબી અને ચઢાણ-ઉતરાણવાળી હોવાથી યાત્રા શરૂ કરતા પહેલા જ રોજ લાંબુ ચાલવાની પ્રેક્ટિસ શરૂ કરી દેવી. • શારીરિક સ્વસ્થતા: શારીરિક રીતે સંપૂર્ણ ફિટ અને સ્વસ્થ હોવ તો જ આ યાત્રામાં જોડાવું હિતાવહ છે.યાત્રામાં સાથે શું લઈ જવું? • જંગલના ઉબડખાબડ રસ્તાઓ પર ચાલવા માટે મજબૂત ગ્રીપવાળા અને પગને અનુકૂળ ટ્રેકિંગ શૂઝ કે બૂટ જ પહેરવા. તેમજ ટેકા માટે લાકડી સાથે રાખી શકાય. જરૂર કરતા વધારે સામાન સાથે ન લઈ જવો. • પેઈન કિલર, પાટા, મલમ, મસલ સ્પ્રે, એસિડિટી કે તાવની પ્રાથમિક દવાઓ અચૂક સાથે રાખવી. • રાત્રિના અંધારા માટે સારી ક્વોલિટીની રિચાર્જેબલ ટોર્ચ, વધારાની બેટરી અને મોબાઈલ માટે પાવર બેંક સાથે રાખવા. • બગડે નહીં તેવો સૂકો નાસ્તો (ખાખરા, બિસ્કિટ, ડ્રાયફ્રુટ્સ, ગોળ-ચણા) અને પાણી ભરવા માટે રિયુઝેબલ (ધાતુની) બોટલ. • પોતાનું ઓરિજિનલ આધારકાર્ડ અથવા અન્ય માન્ય સરકારી ઓળખપત્ર સાથે રાખવું.યાત્રા દરમિયાન શું કાળજી રાખવી? • પરિક્રમા દરમિયાન સોના ચાંદીના દાગીના કે કીમતી વસ્તુઓ સાથે ન લઈ જવી. • રસ્તામાં જો કોઈ પ્રાણી દેખાય તો તેની છેડતી કે ઉશ્કેરણી કરવી નહીં. • કચરો ગમે ત્યાં જંગલમાં ફેંકવાને બદલે માત્ર તંત્ર દ્વારા મુકાયેલી કચરાપેટીઓમાં જ નાખવો. • તંત્ર દ્વારા રૂટ પર 11 દવાખાના, 2500થી વધુ શૌચાલય અને પાણીની 50 ટાંકીઓ ઊભી કરાઈ છે, જેનો જરૂરિયાત મુજબ અને યોગ્ય રીતે ઉપયોગ કરવો. • સંપર્ક અને કંટ્રોલ રૂમ: કોઈપણ ઈમરજન્સી, તબિયત બગડવા કે અન્ય અગવડતાના સમયે દત્ત ચોક ખાતે કાર્યરત 24 કલાક કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવો.યાત્રામાં ઉપલબ્ધ સેવાઓ • યાત્રિકો માટે 70 જેટલી સંસ્થાઓને પ્રસાદ અને અન્નક્ષેત્ર માટે મંજૂરી અપાઈ છે. તેમજ 33 બોર, 9 કૂવા, 7 હેન્ડપંપ અને 5000 લિટરની ક્ષમતાવાળી 50 ટાંકીઓ મારફતે પાણી પૂરું પડાશે. • પરિવહન માટે એસ.ટી. વિભાગ દ્વારા કુલ 450 બસો દોડાવાશે. • યાત્રિકો માટે 3 મોબાઈલ ટોયલેટ, 2 પે-એન્ડ-યુઝ અને વાડીઓના 2522 શૌચાલયો ઉપલબ્ધ રહેશે. • 11 કામચલાઉ દવાખાનાં, 8 વધારાની મેડિકલ ટીમ, 6 સ્થળોએ એમ્બ્યુલન્સ અને 2 મોબાઈલ હેલ્થ યુનિટ તૈનાત કરાયા છે અને 50 આરોગ્ય કર્મચારીઓ પણ ફરજ પર હાજર રહેશે.#LiliParikrama2026 #GirnarParikrama #Junagadh #Girnar #ParikramaGuidelines #ParikramaRules #GujaratTourism #LiliParikramaPreparation