શહેરને ક્લીન એન્ડ ગ્રીન સિટી બનાવવા 100 દિવસની સઘન સફાઈ ઝુંબેશ : સફાઈ એજન્સી પણ દંડાઈ, કચરો ન ઉઠાવવા મુદ્દે ડોર ટુ ડોર એજન્સીને રૂ.57,900નો દંડમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને ક્લીન એન્ડ ગ્રીન બનાવવા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 'સ્વચ્છતા હી સેવા 2026' કાર્યક્રમ અંતર્ગત શરૂ થયેલી આ 100 દિવસની ઝુંબેશમાં નવી 100 કામદારોની ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ઝુંબેશમાં માત્ર સફાઈ જ નહીં પરંતુ ગંદકી ફેલાવતા લોકો અને નિયમિત સફાઈ ન કરતી એજન્સીઓ સામે કડક દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ઝુંબેશ અંતર્ગત શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા, જાહેરમાં પાણી ઢોળતા અને ગંદકી કરતા 600 થી વધુ લોકો પાસેથી માત્ર એક મહિનામાં રૂ. 8.30 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત કમિશનર સંગીતા રૈયાણીએ જાતે જ નાઈટ વિઝિટ કરી ત્રાજપર ચોકડી અને મહેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકતા દુકાનદારો અને લોકોને પકડી તેમની પાસે જ કચરો ઉપડાવ્યો હતો. મહાપાલિકાના જાહેર કર્યા અનુસાર શહેરમાં કચરાના 2184 નાના મોટા ઢગલા દૂર કરાયા છે. 134 શાળાઓ અને 76690 ઘરોમાં જઈ સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં આવ્યા છે.ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી સી.જી. એજન્સી પણ દંડાઈ છે. એજન્સીના કુલ 35 લાખના બિલમાંથી સપ્ટેમ્બર મહિનામાં 27 અને ઓક્ટોબરમાં 31 જેટલી લોકોની ફરિયાદોના આધારે કચરો ન ઉપાડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત એજન્સીને કચરો કલેક્શન માટે આપેલા 3600 પોઈન્ટ્સમાંથી સપ્ટેમ્બરમાં રૂ. 30,528 અને ઓક્ટોબરમાં રૂ. 11,866 નો દંડ મળી કુલ રૂ. 57,900 થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.શહેરમાં 7 જેટલા GVP પોઈન્ટ્સને નાબૂદ કરાશેશહેરમાં 7 જેટલા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ છે જ્યાં સતત કચરો ઠલવાતો હોય છે. મહાનગરપાલિકા દ્વારા આ સાતેય પોઈન્ટ્સને કાયમી ધોરણે નાબૂદ કરવા કવાયત હાથ ધરાઈ છે. આમાં ખાખરેચી દરવાજા, ત્રાજપર પ્રાથમિક શાળા પાસે, શોભેશ્વર રોડ કલેક્ટર કચેરી પાસે રચના સોસાયટીના ગેટ પાસે, મહેન્દ્રનગર જય ભગવાન પ્લોટ પાસે, ભુમા ટાઉનશીપ પાસે સામા કાંઠે, રવાપર રોડ બહુચરજી મંદિર પાસે અને પંચાસર રોડ ભારતપરા સામેના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓ સાફ કરી ત્યાં વૃક્ષારોપણ, ફૂલછોડ વાવવા અને ચિત્રો દોરવા સહિતનું બ્યુટીફિકેશન કરવાનું આયોજન છે.કચરો ન ઉપાડાય તો નાગરિકો ફરિયાદ કરી શકશેમ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેરમાં કચરો ફેંકવાને બદલે ડોર ટુ ડોર કલેક્શન વાહનમાં જ કચરો આપે. જો કચરાની ગાડી નિયમિત ન આવતી હોય તો નાગરિકો મહાનગરપાલિકામાં ઓનલાઈન અથવા રૂબરૂ ફરિયાદ કરી શકે છે. એજન્સીના ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ લગાવેલી હોવાથી મહાનગરપાલિકા જાણી શકશે કે ગાડી આવી હતી કે નહીં અને ન આવી હોય તો એજન્સીને દંડ ફટકારાશે.મુખ્ય રસ્તાઓ પર હાથ ધરાશે વિશેષ સફાઈ અભિયાનકમિશનરના જણાવ્યા અનુસાર 100 દિવસની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત 100 સફાઈ કામદારોની નવી ટીમ શહેરના મુખ્ય માર્ગો અને અંદરના એવા વિસ્તારોમાં સઘન સફાઈ કરશે. જ્યાં અગાઉ નિયમિત સફાઈ થતી ન હતી. આ ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને કચરાના ઢગલાઓ દૂર કરી રહી છે. મોરબી મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કટિબદ્ધ હોવાનું તેઓએ જણાવ્યું છે.આટલી કવાયત છતાં અંતરિયાળ વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકી યથાવતમોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે મોટાપાયે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, આમ છતાં વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. શહેરના અનેક અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ ઠેર ઠેર કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોની વ્યાપક ફરિયાદો ઉઠી છે કે મહાનગરપાલિકા દ્વારા આવા વિસ્તારોમાં હજુ સુધી દરરોજ યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી કે સમયસર કચરો ઉપાડવામાં આવતો નથી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની અનિયમિતતાના કારણે શેરીઓ અને મહોલ્લાઓમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત જોવા મળે છે, જેના કારણે સફાઈ ઝુંબેશની વાસ્તવિક કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.