પોલીસે રૂ. 24,500નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરીમોરબી અપડેટ : ટંકારા તાલુકાના જબલપુર ગામના ઝાંપે આવેલા મંદિર નજીક કેટલાક શખ્સો એકઠા થઈને જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ જેટલા શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તમામ પકડાયેલા શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીને પગલે જબલપુર ગામે મંદિર પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે સ્થળ પરથી જુગાર રમતા મિલનભાઈ ધરમભાઈ ગૌસ્વામી (રહે. ટંકારા), કૌશીકભાઈ મગનભાઈ નારીયાણા (રહે. જબલપુર), અમૃતલાલ નરશીભાઈ ફેફર (રહે. જબલપુર), નરભેરામભાઇ ગંગારામભાઈ નારીયાણા (રહે. જબલપુર), જયંતીભાઇ દેવકરણભાઈ ભીમાણી (રહે. જબલપુર) અને અતુલભાઈ મગનભાઈ નારીયાણા (રહે. ટંકારા) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ તમામ 6 આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી કુલ 24,500 રૂપિયાનો રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.