મંદિરમાંથી સોનાના હાર અને ચાંદીના છત્તર સહિતની મત્તા ચોરાઈ : પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજમોરબી અપડેટ : મોરબી તાલુકાના હજનાળી ગામમાં આવેલ શક્તિ માતાજીના મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ ચાલાકીપૂર્વક મંદિરનો મેઈન પાવર કાપી નાખ્યો હતો જેથી સીસીટીવી કેમેરા બંધ થઈ જાય. ત્યારબાદ ગર્ભગૃહના લાકડાના દરવાજાના તાળાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને માતાજીની મૂર્તિ પર ચડાવેલા પ્રાચીન અને કિંમતી આભૂષણો ચોરી ગયા હતા. સવારે જ્યારે દર્શનાર્થીઓ મંદિરે પહોંચ્યા ત્યારે લાઈટો બંધ અને તાળા તૂટેલી હાલતમાં જોતા ચોરી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. હાલમાં આ મામલે પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના હજનાળી ગામમાં આવેલ શક્તિ માતાજીના મંદિરમાં તા.16ની મોડી રાત્રે 1 વાગ્યાથી સવારના 6 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. સવારે 6 વાગ્યે ગામના સંજયભાઈ પારેજીયા દર્શન કરવા ગયા ત્યારે તેમણે મંદિરની તમામ લાઈટો બંધ અને અંદરના દરવાજાનો હુક તૂટેલો જોયો હતો. આ અંગે તેમણે મંદિરમાં પૂજા કરતા હિતેશગીરી મોહનગીરી ગોસ્વામીને જાણ કરી હતી. હિતેશગીરી અને ગામના રમેશભાઈ અંબારામભાઈ સુતરીયા સહિતના લોકોએ મંદિરે આવી તપાસ કરતા ગર્ભગૃહમાંથી માતાજીની મૂર્તિ પર ચડાવેલ સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. તસ્કરોએ ચોરી કરતા પહેલા મંદિરનું પાવર કનેક્શન કાપી નાખ્યું હતું જેથી સીસીટીવી ફૂટેજ પણ રેકોર્ડ થઈ શક્યા ન હતા.મંદિરમાંથી તસ્કરોએ આશરે 2 કિલો વજનનું મોટું ચાંદીનું છતર, 1 કિલોનું નાનું છતર, ત્રિશુલ પાસે રાખેલા 1.25 કિલો વજનના અન્ય છતર, 50 ગ્રામ વજનની ચાંદીની સિંહની મૂર્તિ, 4.5 તોલાના નાના-મોટા છતર અને 1 તોલાના સોનાના મુગટની ઉઠાંતરી કરી હતી. આ તમામ આભૂષણોની કુલ કિંમત 991250 રૂપિયા આંકવામાં આવી છે. આ બનાવ અંગે હિતેશગીરી ગોસ્વામીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.