મહેસૂલી રેકર્ડમાં વર્ષો સુધી નામની ભૂલ સુધારવાની તસ્દી ન લેનારને કાયદાની લપડાકમોરબી : જન્મ મરણના દાખલા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ રેવન્યુ રેકોર્ડમાં નામ કે અટકમાં બેદરકારી દાખવવી આગળ જતા મુસીબત બને છે, મોરબી જિલ્લામાં આવા જ બે કેસમાં વર્ષો બાદ જાગેલા અરજદારો નામ સુધારવા કરાવવા અંગેના બે અલગ-અલગ કેસોમાં જિલ્લા કલેકટર દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદા આપી વર્ષો સુધી ભૂલ સુધારવાની પરવા નહિ કરનાર અરજદારોની રિવિઝન અરજીઓ ફગાવી દીધી હતી.પ્રથમ કિસ્સામાં મોરબી તાલુકાના બેલા રંગપર ગામના સર્વે નં. ૧૧૨ પૈકી ૩ અને ૩૭૪ પૈકી ૨ ની જમીનમાં અરજદાર ગૌરીબેન ઉર્ફે ગીતાબેન કાંતિલાલ પટેલ દ્વારા પોતાના હયાતીમાં વારસોના નામ દાખલ કરવા માટે નોંધ નં. ૫૯૫૩ કરાઈ હતી. ૭/૧૨ અને વારસાઈ આંબામાં નામ ગૌરીબેન અને ગીતાબેન હોવાથી નાયબ મામલતદાર અને નાયબ કલેક્ટરે આ નોંધ નામંજૂર કરી હતી. કલેક્ટર કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે વર્ષ ૨૦૧૪થી આ નામ ચાલે છે અને નામ બદલાવ અંગે કોઈ નક્કર કાનૂની પુરાવા કે સ્પષ્ટતા રજૂ કરવામાં આવી ન હતી.જેથી આવા કિસ્સાઓમાં ફ્રોડ થવાની સંભાવના નકારી ન શકાય, જેને ધ્યાને રાખીને કલેક્ટરે નાયબ કલેક્ટરનો હુકમ કાયમ રાખી ગૌરીબેનને બદલે ગીતાબેન નામ સુધારવાની અરજી નામંજુર કરી હતી.જ્યારે બીજા કિસ્સામાં હળવદ તાલુકાના મયુરનગર ગામના રેવન્યુ સર્વે નં. ૨૬ અને ૩૩ ની જમીનમાં વારસાઈ નોંધ નં. ૨૮૫૯ કરતી વખતે સોમીબેન ગાંડાભાઈ'ના સ્થાને ભૂલથી સોમાભાઈ ગાંડાભાઈ' નામ લખાઈ ગયું હોવાનું જણાવી ક્ષતિ સુધારવા મામલતદાર સમક્ષ અરજી કરાઈ હતી. મામલતદાર અને નાયબ કલેક્ટરે આ અરજી નામંજૂર કરી હતી.જે બાદ મોરબી કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી કરવામાં આવતા કોર્ટે અવલોકન કર્યું કે આ નોંધ વર્ષ ૨૦૦૩માં એટલે કે ૨૨ વર્ષ પહેલાં મંજૂર થયેલી છે, જેને પડકારવામાં ભારે વિલંબ થયો છે. ગુણદોષ અને વિલંબના આધારે અરજદારની રિવિઝન અરજી અગ્રાહ્ય ગણીને ફગાવી દેવામાં આવી હતી. પક્ષકારો આ નિર્ણયો સામે હવે મહેસૂલ વિભાગ વિવાદ, અમદાવાદ સમક્ષ દાદ મેળવી શકશે.