બીમાર બાળકને દવાખાને લઈ જઈ રહેલા શ્રમિક પરિવાર પર કાળ ફરી વળ્યો : કાળમુખા ડમ્ફરે વધુ બે જિંદગી છીનવી, માતા ગંભીર રીતે ઘાયલમોરબી અપડેટ : મોરબી નજીક આવેલા ટીંબડી પાટિયા પાસે એક હચમચાવી મુકતો માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરપાટ ઝડપે દોડતા એક ડમ્ફર ચાલકે બાઇકને અડફેટે લેતા એક જ પરિવારના બે સભ્યોનો ભોગ લેવાયો છે. એક શ્રમિક પરિવાર પોતાના બીમાર બાળકને હોસ્પિટલ બતાવવા જઈ રહ્યો હતો ત્યારે નંબર પ્લેટ વિનાના અને ઓવરલોડ ડમ્ફરે તેમને કચડી નાખતા પિતા અને માસૂમ પુત્રનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ માતાને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે બેફામ દોડતા ડમ્ફર ચાલકો પર લગામ કોણ કસશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના અમરનગર હાઇવે પર આવેલા ઓજસ સેનેટરીવેરના કારખાનામાં રહીને કામ કરતા દિનેશ ઉર્ફે રોહિત રણછોડભાઈ પરમાર (ઉ.વ. ૩૦), તેમના પત્ની લક્ષ્મીબેન અને તેમનો છ વર્ષનો પુત્ર આદેશ બાઇક પર સવાર થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. છ વર્ષનો આદેશ બીમાર હોય, તેને દવાખાને બતાવવા જતા સમયે ટીંબડી પાટિયા નજીક પહોંચતા એક કાળમુખા ડમ્ફરે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા દિનેશભાઈ અને માસૂમ પુત્ર આદેશનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની લક્ષ્મીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને મોરબી ખાતે પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક રાજકોટ વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.આ ગોઝારી ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી દીધી છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે, અકસ્માત સર્જનાર ડમ્ફર ઓવરલોડ હોવાની સાથે તેમાં નંબર પ્લેટ પણ ગાયબ હતી. મોરબી પંથકમાં બેફામ દોડતા આવા ઓવરલોડ અને નંબર પ્લેટ વગરના કાળમુખા ડમ્ફર ચાલકોને કોના આશીર્વાદ છે, તે એક મોટો સવાલ ઊભો થયો છે. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે આજે વધુ એક પરિવાર વિખેરાઈ ગયો છે. સ્થાનિકો હવે આવા બેફામ વાહનચાલકો પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને ઓવરલોડ ડમ્ફરો પર ક્યારે કાબુ આવશે તેની રાહ જોઈ રહ્યા છે.