કચરા કલેક્શનમાં 13 વર્ષીય સગીર પાસે કામ કરાવાતું હતું, ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સે કરી કાયદેસરની કાર્યવાહીમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકામાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી દ્વારા કચરાની ગાડીમાં હેલ્પર તરીકે 13 વર્ષીય સગીર પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. જેથી આ મામલે જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા એજન્સીના પ્રોપરાઇટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા આજે સવારે ડી-માર્ટ પાસે, જીજે-5 ઢોસાની દુકાન નજીક GJ20CB1885 નંબરના વેસ્ટ કલેક્શન ટ્રેક્ટરમાં ચેકિંગ કરતા 13 વર્ષનો બાળ શ્રમિક મળી આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ બાળક છેલ્લા પાંચ દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યો હતો.આ બનાવ અંગે સરકારી શ્રમ અધિકારી મિતેષકુમાર જોષીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટર શ્રીજી એજન્સીઝ (અમદાવાદ) ના પ્રોપરાઈટર રમેશચંદ્ર ખિમાભાઈ ઝોરા વિરુદ્ધ બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમની કલમ 3 અને 14 હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. બાળ શ્રમિકને મુક્ત કરાવી આગળની કાર્યવાહી માટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને પોલીસે એજન્સીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #ChildLabor #RescueOperation #MorbiPolice #BDivisionPolice #MorbiMunicipalCorporation