હળવદના સમલી ગામમાં સરકારી જમીન પર ૨૭૫ ચોરસ મીટર જમીન પર દબાણ ખાલી કરવા આદેશ, દંડ ફટકરાયોહળવદ : મોરબી સહિત સમગ્ર રાજ્યમાં સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર વ્યાપક પ્રમાણમાં દબાણો ખડકાઈ ગયાનું જગજાહેર છે ત્યારેહળવદ તાલુકાના સમલી ગામમાં સરકારી ખરાબાની જમીન પર એક આસામીએ ૨૭૫ ચોરસ મીટર જમીન પર દબાણ કરી લેતા હળવદ - ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્યએ આ મુદ્દે સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવતા મામલતદાર તંત્ર દોડતું થયું હતું અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા આદેશ કરી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા જુલાઈ ૨૦૨૬માં મળેલી મોરબી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સમલી ગામે રાયધ્રા રોડ પર આવેલ મોતીપરા વિસ્તાર નજીકની સરકારી જમીન પર અનઅધિકૃત દબાણ અંગે પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. આ રજૂઆતને પગલે હળવદ તાલુકા વિકાસ અધિકારી મારફતે વિસ્તરણ અધિકારી અને તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ તપાસ કરી પંચરોજકામ કરવામાં આવ્યું હતું. સ્થળ તપાસમાં ખૂલ્યું હતું કે, સમલી ગામના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર ૨૬૨/૧ ની જમીનમાંથી આશરે ૨૭૫ ચોરસ મીટર વિસ્તાર પર રમેશભાઈ ગેલાભાઈ ભરવાડ દ્વારા છેલ્લા બે વર્ષથી ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો હતો. વધુમાં દબાણદારે આ જમીન પર માલઢોર બાંધવા માટે ઉપયોગ કરવાની સાથે અહીં ઉકરડો અને તારની ફેન્સીંગ કરી હતી. આ મામલે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ મામલતદાર હળવદ દ્વારા દબાણ કેસ દાખલ કરી સુનાવણી હાથ ધરતા રમેશભાઈએ દબાણ કરી જાતે જ તારની ફેન્સીંગ તથા ઉકરડો ૫ દિવસમાં દૂર કરવાની સાથે દંડ ભરવાની લેખિત સહમતી આપી હતી.તંત્ર દ્વારા બે વર્ષના દબાણ બદલ સરકારી નિયમોનુસાર પ્રવર્તમાન જંત્રીના બમણા ભાવ લેખે કુલ ૨૫૨ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.મહત્વનું છે કે, દંડની રકમ મહત્વની નથી પરંતુ સરકારી ખરાબામાં થયેલા દબાણ શોધવાની અને દૂર કરવાની જવાબદારી જે તે મામલતદાર કચેરીની હોવા છતાં દબાણો ખડાકાઈ જતા ધારાસભ્યની ફરિયાદ બાદ અહીં પગલાં લેવાયા હતા.