રેલવેમાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ યુવક રામદેવસિંહ જાડેજાની પ્રેરણાદાયક પહેલ, 22 નવેમ્બરે સાર્થક વિદ્યામંદિર ખાતે આયોજનમોરબી અપડેટ : મોરબી શહેરમાં આગામી 22 નવેમ્બર ને રવિવારના રોજ એક અનોખી અને પ્રેરણાદાયક ચેસ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. મોરબી-2 માં આવેલી સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાનારી આ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ (અંધ) ખેલાડીઓ અને સામાન્ય (જોઈ શકતા) ખેલાડીઓ એકસાથે ચેસ બોર્ડ પર પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપશે. કુલ 52 ખેલાડીઓ વચ્ચે આ સ્પર્ધા યોજાશે, જેમાંથી 26 સ્પર્ધકો પ્રજ્ઞાચક્ષુ હશે અને સામે 26 સામાન્ય લોકો ભાગ લેશે. આ 26 પ્રજ્ઞાચક્ષુઓ આખા ગુજરાતમાંથી જુદા જુદા જિલ્લામાંથી આવશે. આ સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે.આ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે તેનું આયોજન કોઈ મોટી સંસ્થા કે NGO દ્વારા નહીં, પરંતુ મોરબીમાં ભારતીય રેલવેમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા એક ઉત્સાહી પ્રજ્ઞાચક્ષુ યુવક રામદેવસિંહ દિલાવરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. રામદેવસિંહ જાડેજાને આ ભગીરથ કાર્યમાં તેમના પિતા દિલાવરસિંહ જાડેજા, સમગ્ર પરિવાર અને સામા કાંઠા વિસ્તારના યુવા મિત્રમંડળનો પણ મોટો સહયોગ મળ્યો છે.આ આયોજન પાછળનો પોતાનો ઉદ્દેશ્ય જણાવતા રામદેવસિંહે કહ્યું હતું કે, 'સમાજના મારા જેવા થોડાઘણા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ પોતાની મહેનતથી નોકરી મેળવીને સ્વનિર્ભર બન્યા છે, પરંતુ હજુ પણ અનેક યોગ્ય અને શિક્ષિત પ્રજ્ઞાચક્ષુઓ સમાજમાં સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ માટે સામાજિક સ્વીકૃતિનું વાતાવરણ સર્જાય અને તેમના વિકાસની ક્ષિતિજો વિસ્તરે, તેવા ઉમદા આશયથી આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.'આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે 'ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ' (GCAVC) સંગઠનના સંચાલકોએ જવાબદારી સ્વીકારી છે. ઉપરાંત, સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ, પ્રમોદસિંહજી રાણા, મોરબીના જાણીતા પત્રકાર દિલીપભાઈ બરાસરા અંધજન મંડળના પૂર્વ આચાર્ય જસુભાઈ કવિ સહિતના મહાનુભાવોએ રામદેવસિંહના આ ઉમદા પ્રયાસને બિરદાવીને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.#Morbi #MorbiNews #ChessTournament #VisuallyImpaired #BlindChess #InclusiveSports #SarthakVidyamandir #Inspiration #MorbiUpdates