દોઢ કિમિ લાંબો ગાડા માર્ગ દશેક ફૂટનો જ હતો, ખેડુતોએ 10-15 ફૂટ જગ્યા આપતા 35 ફૂટનો રોડ થઈ ગયોગામના યુવાનોએ જાહેર બગીચાનું પણ જાતે નિર્માણ કરાવ્યું, આજે તેનું લોકાર્પણમોરબી અપડેટ : અત્યારે એક શેઢા માટે ધારીયા ઉડે તેવા સમયમાં ટંકારાના નવા સજનપર ગામે ખેડુતોએ ગ્રામજનોને આવવા-જવામાં સરળતા રહે એટલે એક ગાડા માર્ગને મોટો કરવા પોતાની કરોડોની કિંમતી જમીનો જતી કરી દીધી હોવાનો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ઉપરાંત અહીં ગ્રામજનોએ જાતે જ અંદાજે 30 લાખનો ખર્ચ કરી 35 ફૂટનો રોડ બનાવી નાખતા વાહન વ્યવહાર સરળ બન્યો છે.ટંકારા તાલુકાના નવા સજનપર ગામની સાર્વજનિક જગ્યામાં ગામના યુવાનોની ટીમે 10 લાખનો ફાળો એકત્ર કરી 'ખોડિયાર પાર્ક' તૈયાર કર્યો છે. આ પાર્કમાં બાળકોના મનોરંજનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બગીચામાં બાળકો માટે આધુનિક હિંચકા, લપસિયા અને રાઈડ્સ મુકવામાં આવી છે. આ ઉપરાંત વૃદ્ધો અને મહિલાઓને બેસવા માટે આકર્ષક માર્બલના બાંકડા અને એક સુંદર મઢૂલી પણ તૈયાર કરાઈ છે, જેથી ગામના લોકો ત્યાં શાંતિથી પોતાનો સમય પસાર કરી શકે. આ 6500 ચોરસ ફૂટના પાર્કમાં જગ્યામાં ફરતે 30 થી 35 જેટલા વિવિધ છાંયડાવાળા અને ફૂલછોડના વૃક્ષો વાવવામાં આવ્યા છે. યુવા ટીમ દ્વારા આ વૃક્ષોના ઉછેર અને તેને નિયમિત પાણી પીવડાવવાની સંપૂર્ણ જવાબદારી સ્વેચ્છાએ ઉપાડી લેવામાં આવી છે. આજે 5 નવેમ્બરના રોજ આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક નેતાઓ સહિતના અગ્રણીઓ હાજરી આપવાના છે.આ બગીચો તૈયાર થયા બાદ ત્યાં પહોંચવાનો ઓમવિલાથી નવા સજનપર સુધીનો 1.5 કિલોમીટરનો રસ્તો માત્ર 10 થી 11 ફૂટનો સાંકડો ગાડામાર્ગ હતો. પરંતુ ગામના 15 જેટલા ખેડૂત પરિવારોએ ઉદારતા દાખવીને પોતાના ખેતરમાંથી 10 થી 15 ફૂટ જમીન સ્વેચ્છાએ રોડ માટે કાપી આપી હતી, જેના કારણે આજે આ રસ્તો 35 ફૂટ જેટલો પહોળો બની ગયો છે. હાલ આ રોડને અંદાજે રૂ.30 લાખના ખર્ચે સમતળ કરીને મોરમ પાથરવામાં આવી છે. હવે ગ્રામજનો આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા અહીં પાકો રોડ બનાવવામાં આવે.આ સમગ્ર કામગીરી અંગે માહિતી આપતા વિપુલ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, 'અમારા ગામમાં મોટાભાગના લોકો સ્થળાંતર કરી ગયા હતા અને રાત્રે કોઈ રહેતું નહોતું. પરંતુ શનિવારે અને રવિવારે સૌ ગામમાં આવતા થાય અને ખાસ બાળકો ગામ સાથે જોડાયેલા રહે તે માટે યુવાનો અને વડીલોએ નક્કી કર્યું કે આપણે જાતે જ ગામનો વિકાસ કરવો છે. યુવા ટીમે ટૂંક સમયમાં જ ફાળો એકઠો કર્યો અને સરકારના એક પણ રૂપિયાની મદદ લીધા વિના અમે આ રોડ તથા બગીચો બનાવ્યો છે. ખેડૂતોએ પણ કોઈપણ જાતના વિરોધ વિના ખુશીથી રસ્તા માટે જમીન આપી દીધી, જે અમારા ગામની સૌથી મોટી સિદ્ધિ છે'.45 વર્ષ જૂની ધાર્મિક પરંપરા બની પ્રેરણારૂપગામના લોકો મોરબી કે અન્ય શહેરોમાં સ્થાયી થયા હોવા છતાં છેલ્લા 45 વર્ષથી ખોડિયાર માતાજીના મંદિરે દર રવિવારે ધૂન બોલાવવાની પરંપરા જાળવી રાખી છે. દર રવિવારે યોજાતી આ ધાર્મિક પ્રવૃત્તિના કારણે જ ગામના તમામ લોકો એકબીજા સાથે જોડાયેલા રહ્યા. આ સાપ્તાહિક મુલાકાતોએ જ યુવાનોમાં એકત્રિત થઈને ગામના વિકાસ માટે કંઈક નવું કરવાનો વિચાર અને પ્રેરણા આપી હતી.લોકાર્પણ સમારોહ બાદ સમસ્ત ગામનું સ્નેહમિલનઆજે સાંજે યોજાનાર લોકાર્પણ કાર્યક્રમ માત્ર ઉદ્ઘાટન પૂરતો સીમિત નથી રાખવામાં આવ્યો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે 7:00 કલાકે સમસ્ત નવા સજનપર ગામના લોકો અને આમંત્રિત મહેમાનો માટે વિશેષ ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે. આ ભોજન સમારંભ દ્વારા ગામના તમામ પરિવારો એકસાથે બેસીને ભાઈચારા અને એકતાની ઉજવણી કરશે.