એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા ખેતર ખૂંદી કલાકો સુધી કરવામાં આવી દરોડાની કાર્યવાહી : ભાગમાં ખેતર વાવવા રાખનાર શ્રમિકની ધરપકડમોરબી : હળવદ તાલુકાના ચિત્રોડા ગામની સીમમા એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડી ખેતરમાં એરંડાના વાવેતરની વચ્ચે વાવવામાં આવેલ ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.પોલીસ તપાસમાં છેલ્લા દસ વર્ષથી જમીન ભાગમાં વાવતા શ્રમિકે સ્થાનિક નશાખોરોને વેચાણ કરવા ગાંજો વાવ્યો હોવાનું કબુલ્યું હતું.દરોડા દરમિયાન પોલીસે અંદાજે ૧૬ લાખથી વધુ કિંમતનો ૩૩ કિલોગ્રામથી વધુ વજન ધરાવતા ૩૬૪ ગાંજાના છોડ કબ્જે કર્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગને બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ચિત્રોડા ગામની સીમમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. જે બાતમીને આધારે એન્ટી નાર્કોટિક્સ વીંગ દ્વારા ચિત્રોડા ગામે દરોડો પાડવામાં આવતા આરોપી વિપુલભાઈ ઉર્ફે રોકો ધીરુભાઈ પરાલિયાના કબ્જા ભોગવટાના ખેતરમાં એરંડાની આડમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના નાના-મોટા ૩૬૪ છોડનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું હતું.દરોડા દરમિયાન એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં મૂળ સહિતના આ છોડનું વજન કરતા કુલ ૩૩ કિલો ૫૦ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૬,૫૨,૫૦૦ થાય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય પુરાવાઓ સહિત કુલ રૂપિયા ૧૬,૫૭,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વધુમાં એન્ટી નાર્કોટિક્સ વિંગની કાર્યવાહી દરમિયાન આરોપીએ નઇમભાઈ હનીફભાઈ કગથરા રહે.સરા વાળાની વાડી છેલ્લા દસ વર્ષથી ચોથા ભાગે વાવવા રાખતો હોવાનું તેમજ સ્થાનિક નશાખોરોને વેચાણ કરવા માટે છેલ્લા ચારેક માસથી ગાંજો વાવેતર કર્યો હોવાનું કબુલ્યું હતું. દરોડાની કાર્યવાહી બાદ એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(એ) અને ૨૦(બી)(૨-સી) મુજબ ગુનો નોંધવી આરોપી વિપુલભાઈ પરાલિયાની વિધિવત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.