નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૦ હજાર કરોડથી વધુના વિદેશ વ્યાપાર સામે વર્ષ ૨૦૨૬-૨૭માં એક્સપોર્ટમાં ચાલીસ ટકાથી વધુનો ઘટાડો થવાની આશંકા મોરબી : વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં ઈઝરાઈલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા ભયાનક હુમલાઓ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાને માઠી અસર પડી છે તેવા સમયે જ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ગણાતા મોરબીના સીરામીક ઉદ્યોગને સૌથી વધુ અસર પડી છે, વર્ષે દહાડે અંદાજે સાઈઠ હજાર કરોડથી વધુના ટર્નઓવર ધરાવતો મોરબીનો સીરામીક ઉદ્યોગ વર્ષે સરેરાશ અંદાજે ૨૦ હજાર કરોડથી વધુનો વિદેશ વ્યાપાર કરે છે પરંતુ વૈશ્વિક તણાવને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ક્વાટર્સમાં જ સીરામીક એક્સપોર્ટમાં રૂ. રૂ.૩૫૮૯ કરોડનું તોતિંગ ગાબડું જોવા મળ્યું છે.જેથી યુદ્ધ ઈરાનમાં અને અસર મોરબીમાં જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો આવી જ સ્થિતિ રહેશે તો વર્ષાન્તે એક્સપોર્ટમાં ૪૦ ટકાના ઘટાડાની આશંકા સેવાઈ રહી છે.ઈરાન-અમેરિકા વચ્ચે તંગ સંબંધોને કારણે હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી ગેસ તેમજ ક્રૂડઓઈલના પરિવહન અટકી પડવાથી સીરામીક ઉદ્યોગને હાલમાં મોંઘા ભાવે ગેસ ખરીદવો પડી રહ્યો છે,બીજીતરફ વૈશ્વિક અશાંતિમાં બ્લેક સી અને રેડ સીમાં જોખમ વધી જવાથી સમુદ્રી જહાજોના ભાડા આસમાને આંબી જતા સીરામીક ઉદ્યોગનું એક્સપોર્ટ અટકી પડતા ટાઇલ્સ નિકાસને જબરો ફટકો પડ્યો છે.મોરબીના અગ્રણી સીરામીક ઉદ્યોગપતિ અને એક્સપોર્ટરના મતે ઈરાન-અમેરિકા વચ્ચેના સંબંધો અને સમુદ્રી જહાજના ફ્રેઇટ ચાર્જમાં થયેલા વધારા બાદ વર્ષ ૨૦૨૬-૨૭ના એક્સપોર્ટમાં ચિંતાજનક ઘટાડો આવ્યો છે. મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટ પર નજર કરવામાં આવે તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ.૪૪૫૮ કરોડના વ્યાપાર થયા હતા. જેમાં ગત વર્ષની સરખામણીએ ૯૩૩ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે પરિસ્થિતિ બીજા ક્વાર્ટરમાં વધુ વણસી છે, જ્યાં ગત વર્ષના ૫૫૫૬ કરોડ સામે આ વર્ષે માત્ર ૨૯૦૦ કરોડની નિકાસ થતાં સીધો ૨૬૫૬ કરોડ રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો છે.આમ પ્રથમ છ માસમાં જ કુલ મળીને ૩૫૮૯ કરોડ રૂપિયાનું નુકસાન થવું એ ટાઇલ્સ ઉદ્યોગ માટે ખતરાની ઘંટી સમાન છે. નિષ્ણાતો અને ઉદ્યોગકારો દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં થયેલા ૨૦ હજાર કરોડથી વધુના મજબૂત વિદેશ વ્યાપારની સામે, જો વર્તમાન ટ્રેન્ડ યથાવત રહેશે તો વર્ષ ૨૦૨૬-૨૭ ના અંત સુધીમાં નિકાસમાં ૪૦ ટકાથી વધુનો તોતિંગ ઘટાડો જોવા મળી શકે છે. ટાઇલ્સ એક્સપોર્ટ વર્ષ ૨૦૨૫-૨૬કવાટર-૧ - રૂ.૫૩૯૧ કરોડકવાટર-૨ - રૂ.૫૫૫૬ કરોડકવાટર-૩ - રૂ.૫૩૭૬ કરોડકવાટર-૪ - રૂ.૫૩૩૬ કરોડટાઇલ્સ એકસપોર્ટ વર્ષ ૨૦૨૬-૨૭કવાટર-૧ - રૂ.૪૪૫૮ કરોડકવાટર-૨- રૂ.૨૯૦૦ કરોડ (નોંધ :ઉપરોક્ત એક્સપોર્ટના આંકડામાં સેનેટરીવેર્સના આંકડા સામેલ નથી)