સ્વામિનારાયણ મહોત્સવના કારણે 4 અઠવાડિયાથી બજાર બંધ હતી, હવે મહાપાલિકાએ ટ્રાફિક અને સફાઈના મુદ્દે વેપારીઓને બેસવાની ના પાડતા આંદોલનની ચીમકીદિવાળીના તહેવારમાં વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ, મહાપાલિકા ચોક્કસ નિયમો અને શરતો મૂકી આવતા રવિવારથી વેપારીઓને બેસવા દયે તેવી શકયતામોરબી અપડેટ : મોરબીમાં બેઠા પુલ પાસે ભરાતી રવિવારી બજાર આજે સળંગ પાંચમા રવિવારે પણ બંધ રહેતા નાના વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. અગાઉ સ્વામિનારાયણ મહોત્સવને કારણે તંત્ર દ્વારા 4 અઠવાડિયા સુધી બજાર બંધ રખાઈ હતી. આજે મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક અને ગંદકીનું કારણ આપીને વેપારીઓને બજારમાં ધંધો કરવા માટે બેસવા દેવામાં આવ્યા ન હતા. દિવાળીના તહેવાર નજીક છે ત્યારે નાના વેપારીઓની રોજીરોટી પર સંકટ ઊભું થતા તેઓ રોષે ભરાયા છે. બીજી તરફ તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી પણ આપવામાં આવી છે.રવિવારી બજારમાં અંદાજે 350 થી 400 જેટલા નાના વેપારીઓ ધંધો કરીને પોતાની રોજીરોટી મેળવે છે. આ બજાર ગરીબો અને નાના લોકો માટે મિની બિગ બજાર સમાન છે. વેપારી રાજેશભાઈ રતિલાલ ઘેટિયાએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મહોત્સવના કારણે તંત્રએ 4 અઠવાડિયા સુધી બજાર બંધ રાખવા કહ્યું હતું, જેમાં વેપારીઓએ પૂરો સહકાર આપ્યો હતો. આજે બજાર ચાલુ કરવા જતા તંત્રએ અચાનક ના પાડી દીધી છે. દિવાળીના તહેવાર માટે વેપારીઓએ માલનો સ્ટોક કર્યો છે, ત્યારે હવે આ માલ ક્યાં વેચવો અને પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે મોટો પ્રશ્ન છે. વેપારીઓ તંત્રને ભાડું ચૂકવવા પણ તૈયાર છે, છતાં તેમને કોઈ યોગ્ય ઉકેલ આપવામાં આવતો નથી. અન્ય એક મહિલા વેપારીએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, અહીં ટકે ટકનું રળીને ખાતા ગરીબ લોકો છે, જો ટ્રાફિક નડતો હોય તો તંત્ર કોઈ ઉકેલ આપે અથવા વૈકલ્પિક જગ્યા ફાળવે તેવી અમારી માંગ છે. વધુમાં વેપારીઓએ જો તંત્ર યોગ્ય ઉકેલ નહિ આપે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.બીજી તરફ, મહાનગરપાલિકાના અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રવિવારી બજારના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. વેપારીઓ ધીમે ધીમે રોડ ઉપર આવી જાય છે અને લારીઓ રોડ પર ઊભી રાખે છે. થોડા સમય પહેલા એક 108 એમ્બ્યુલન્સને અહીંથી નીકળવામાં 6 મિનિટનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત, મોટાભાગના વેપારીઓ ધંધો પૂર્ણ કર્યા બાદ કચરો ત્યાં જ નાખીને જતા રહે છે અને કોઈ સફાઈ કરતું નથી. ટ્રાફિક અને સફાઈની આ સમસ્યાઓનું નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હાલમાં વેપારીઓમાંથી 10 લોકો સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ ચર્ચા કરશે. આજે રવિવારે બજાર બંધ જ રાખવામાં આવી છે, પરંતુ આગામી રવિવાર પહેલા કોઈ ચોક્કસ નિયમો અને શરતો નક્કી કરીને બજાર ફરી શરૂ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ અધિકારીએ ઉમેર્યું હતું.#Morbi #MorbiUpdate #RavivariBazar #LocalVendors #MorbiNews #DiwaliFestival #MorbiNagarpalika